૪૦ વર્ષની ઉંમર વટાવી ચૂકેલા લોકોએ ક્યારેક શાંતિથી બેસીને પોતાના બાળપણને યાદ કરવું જોઈએ. બાળપણમાં આપણે દસિયું અને પાવલીના નામે ઓળખતા સિક્કાઓ આજે ભણેલા-ગણેલા લોકોની ભાષામાં ૧૦ પૈસા અને ૨૫ પૈસા કહેવાય છે. પરંતુ એ દસિયા અને પાવલીમાં જે આનંદ હતો, જે ખુશી હતી, એ કદાચ આજે લાખો રૂપિયા હોવા છતાં પણ ન મળે. આજની પેઢીનાં બાળકોને કદાચ એ નાનકડા સિક્કાઓની કિંમત સમજાય નહીં, કારણ કે આધુનિકતાની દોડમાં આપણે એટલા આગળ નીકળી ગયા છીએ કે સંબંધો, સંપત્તિ અને સંસ્કારોનું સાચું મૂલ્ય ક્યાંક પાછળ રહી ગયું છે.
આજે સમાજમાં એક વિચિત્ર માનસિકતા જોવા મળે છે. જે માણસ દિવસ-રાત પરિશ્રમ કરીને પોતાની મહેનતના પરસેવાથી કમાણી કરે છે, તે ક્યારેક મોટી ગાડીઓમાં ફરતા અને શૂટ-બૂટ પહેરતા લોકો સામે ઊભા રહેતાં સંકોચ અનુભવે છે. સામાન્ય ખેડૂત હોવાની લાગણી તેને ક્યારેક નાનો હોવાનો અહેસાસ કરાવે છે. પરંતુ હકીકત એ છે કે ધરતીનું સંતાન ખેડૂત કોઈનાથી ઊતરતો નથી. પોતાની મહેનત અને ઈમાનદારીથી મેળવેલી સંપત્તિનું મૂલ્ય કોઈની દેખાદેખીથી ઓછું થતું નથી.
ખેડૂતોએ હવે બિચારાપણું અને વેવલાપણું છોડીને સ્વાભિમાન સાથે જીવવાની જરૂર છે. જ્ઞાતિ-જાતિના વાડામાંથી બહાર આવીને ખેડૂત તરીકે સંગઠિત બનશે, એકબીજાની પડખે ઊભા રહેશે અને પોતાની ખેતપેદાશોનું મૂલ્યવર્ધન કરતાં શીખશે ત્યારે જ દુનિયા ખેડૂતની સાચી તાકાત અને કિંમત ઓળખશે.
આજે વાત કરવી છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વાવ કંપા ગામના એક એવા યુવાન ખેડૂતની, જેમણે ખેતીને માત્ર વારસાગત વ્યવસાય નહીં, પરંતુ આર્થિક સ્વનિર્ભરતાનું માધ્યમ બનાવ્યું છે. આ યુવાન ખેડૂત છે કેતનભાઈ જશુભાઈ પટેલ.
કેતનભાઈની ઉંમર ૪૦ વર્ષ છે અને તેઓ ૩૨ વીઘા જમીન ધરાવે છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી શહેરમાં નોકરી કે વ્યવસાયની શોધમાં જવાને બદલે તેમણે પોતાના બાપદાદાની જમીન સંભાળવાનો નિર્ણય કર્યો. ખેતીને વ્યવસાય તરીકે અપનાવીને પોતાની મહેનતથી આર્થિક રીતે પગભર બનવાનું સ્વપ્ન જોયું અને આજે તેઓ એ દિશામાં સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે.
કેતનભાઈના પિતા જશુભાઈએ વર્ષ ૨૦૦૦થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. ખેતીનો ખર્ચ ઘટાડવો, જમીનની ફળદ્રુપતા જાળવવી અને જમીનને જીવંત રાખવી એ તેમનો મુખ્ય હેતુ હતો. પિતાએ શરૂ કરેલી આ વિચારધારાને કેતનભાઈએ આગળ વધારી અને આજે પોતાની ૩૨ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. શરૂઆતના પડકારો હોવા છતાં તેમણે આ પદ્ધતિ છોડી નથી.
તેઓ જણાવે છે કે ચોમાસા દરમિયાન ખેતરમાં નિંદામણની સમસ્યા ઊભી થાય છે. ખાસ કરીને ખેતમજૂરોની અછતને કારણે પાકની વચ્ચે ઊગી નીકળતાં નિંદામણને નિયંત્રિત કરવું મુશ્કેલ બને છે. કેટલીક વખત દાંતીરાપ કરીને તેનો ઉકેલ લાવવો પડે છે. તેમ છતાં જમીનનું આરોગ્ય જાળવવા અને લોકોને શુદ્ધ તથા સારો ખોરાક પૂરો પાડવાના ઉદ્દેશથી તેઓ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે. તેમનો વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે ગ્રાહકો
પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું મહ¥વ સમજશે અને ખેડૂતોને પણ તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળશે.
કેતનભાઈ માત્ર પોતાની ખેતી પૂરતા સીમિત નથી. ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સંગઠનની જરૂરિયાત પણ સમજે છે. તેઓ માને છે કે ખેડૂતોએ સંગઠિત થઈને એફપીઓ (ર્હ્લઁં) બનાવવાં જોઈએ, જેથી ખેતપેદાશોના વેચાણમાં વચેટિયાઓ પરની નિર્ભરતા ઘટે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળી શકે. આ દિશામાં તેઓ ધામ અરવલ્લી જીઁદ્ગહ્લ સાથે જોડાઈને આશરે ૩૫૦ ખેડૂતોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાંથી ૨૭ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
કેતનભાઈની ખેતીની વિશેષતા એ છે કે તેઓ માત્ર કાચી ખેતપેદાશોનું વેચાણ કરતા નથી, પરંતુ તેનું મૂલ્યવર્ધન કરીને ગ્રાહકો સુધી પહોંચાડે છે. મગફળીમાંથી સીંગદાણા, સીંગતેલ અને ખારી સીંગ, દેશી તથા કાબુલી ચણામાંથી ચણાનો લોટ, મગ અને અડદમાંથી દાળ, તલમાંથી તલનું તેલ અને તલનો મુખવાસ બનાવે છે. આ ઉપરાંત સરગવાનાં પાનનો પાવડર, લસણ અને વિવિધ મોસમી શાકભાજીનું ઉત્પાદન તથા વેચાણ પણ કરે છે.
તેમના ખેતરમાં રીંગણ, બટાકા, ટીંડોળા, કારેલા, દૂધી, ટામેટાં સહિતનાં અનેક શાકભાજીનું વાવેતર થાય છે. ખેતરની શેઢાપાડે પણ વિવિધ વૃક્ષો વાવીને તેમાંથી ઉત્પાદન મેળવવાનો પ્રયાસ કર્યો છે. જાસૂદનાં ફૂલોનો પાવડર બનાવીને તેનું વેચાણ કરવું એ પણ તેમની ખેતીની આગવી વિશેષતા છે.
આ તમામ ઉત્પાદનોના વેચાણ માટે સ્થાનિક સ્તરે પ્રાકૃતિક હાટ શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદની સૃષ્ટિ સંસ્થા સાથે જોડાઈને પણ તેઓ પોતાની ખેતપેદાશોનું વેચાણ કરી રહ્યા છે. આમ, ઉત્પાદનથી લઈને પ્રોસેસિંગ, પેકિંગ અને માર્કેટિંગ સુધીની વ્યવસ્થામાં તેઓ જાતે જ જોડાઈને ખેતીને નફાકારક વ્યવસાય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કેતનભાઈ પટેલની સફર આપણને એક મહ¥વનો સંદેશ આપે છે કે ખેતીમાં સફળ થવા માટે માત્ર વધુ ઉત્પાદન કરવું પૂરતું નથી. ખેતીને વ્યવસાય તરીકે જોવી પડશે, ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરવું પડશે, સંગઠન ઊભું કરવું પડશે અને બજાર સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવો પડશે.
આજે જ્યારે યુવાનો શહેરો તરફ દોડી રહ્યા છે ત્યારે વાવ કંપા ગામના કેતનભાઈ જેવા યુવાનો ગામડામાં રહીને પણ આર્થિક રીતે પગભર બની શકાય છે તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. બાપદાદાની જમીનને સાચવીને, પ્રાકૃતિક ખેતીને અપનાવીને અને ખેતપેદાશોમાં મૂલ્યવર્ધન કરીને તેઓ નવી પેઢી માટે પ્રેરણારૂપ બન્યા છે.
ખરેખર, ખેડૂતની ઓળખ તેની ગાડી કે કપડાંથી નહીં, પરંતુ તેના પરસેવા, પરિશ્રમ અને ઈમાનદારીથી થવી જોઈએ. ખેડૂત જ્યારે પોતાની મહેનતનું મૂલ્ય સમજશે, સંગઠિત બનશે અને પોતાની પેદાશનું મૂલ્યવર્ધન કરતાં શીખશે ત્યારે ખેતી માત્ર જીવનનિર્વાહનું સાધન નહીં, પરંતુ સમૃદ્ધિનો મજબૂત આધાર બનશે.
ખેડૂત માત્ર અન્નદાતા નથી, તે અર્થતંત્રનો આધારસ્તંભ છે. જરૂર છે માત્ર પોતાના પરિશ્રમનું ગૌરવ સમજવાની અને સંગઠિત શક્તિ ઊભી કરવાની. કેતનભાઇ પટેલનો સંપર્ક નંબર ૯૪૨૭૩૭૦૩૮૮ છે.

: તિખારો:
ભૂલ થઈ હોય તો સ્વીકારી લેવી, એ જ સમજદારી છે, કારણ કે સત્ય સામે ભૂલની ક્યાં કોઈ બરાબરી છે?ભૂલને ગમે તેટલી દલીલોથી શણગારો,પણ સત્ય સામે એ ક્યારેય ટકી શકતી નથી. અને હા…તમારી પ્રતિષ્ઠાની હંમેશાં સંભાળ રાખજો,કારણ કે તમારી જિંદગી કરતાં પણ લાંબું આયુષ્ય, તમારી પ્રતિષ્ઠાનું રહેવાનું છે!