ખેતી હવે માત્ર જમીનમાં બીયારણ વાવીને પાક લેવાનો વ્યવસાય રહ્યો નથી. બદલાતા સમય, વધતા ઉત્પાદન ખર્ચ, પાણીની સમસ્યા, હવામાન પરિવર્તન, બજારના ઉતાર-ચઢાવ અને મજૂરોની અછત વચ્ચે પરંપરાગત રીતે ખેતી કરવી દિવસેને દિવસે મુશ્કેલ બની રહી છે. આવી સ્થિતિમાં ખેતીને ટકાવવી હોય તો પશુપાલનને મુખ્ય વ્યવસાય અને આધુનિક ખેતીને તેની સાથે જોડાયેલો આધાર બનાવવો પડશે.
પશુપાલનની સૌથી મોટી વિશેષતા અને તાકાત નિયમિત આવક છે. ખેડૂતને પાક વેચ્યા પછી એકસાથે આવક મળે છે, જ્યારે દૂધમાંથી રોજની અને મહિને નિયમિત આવક ઊભી થઈ શકે છે. જેમ કર્મચારીને દર મહિને પગાર મળે છે, તેમ યોગ્ય આયોજન અને સારા પશુ સંચાલનથી પશુપાલકને દૂધમાંથી નિયમિત “માસિક પગાર” મળી શકે છે. સાથે સાથે ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ જૈવિક ખાતર, વર્મી કમ્પોસ્ટ અને પ્રાકૃતિક ખેતીમાં કરીને ખેતીનો ખર્ચ પણ ઘટાડી શકાય છે. જેમને સારું અને ચોખ્ખું દુધ જોઈએ છે પણ પશુ રાખવા માટે જગ્યા નથી કે પશુપાલનનું કોઈ સંચાલન કરી શકે એમ નથી તેવા લોકો પોતાનું પશુ ખરીદીને એનિમલ હોસ્ટેલમાં મૂકી આવી અને એનિમલ હોસ્ટેલમાં આ પશુનો નિભાવ થાય અને દૂધ દોહીને પશુ માલિકને મળી જાય આ પ્રકારના વ્યવસાય ભવિષ્યમાં જોવા મળશે.
આજે સૌથી મોટો પ્રશ્ન માત્ર ખેતીની આવકનો નથી, પરંતુ ખેડૂતના દીકરાને ખેતીમાં રોકવાનો છે. શહેરમાં વેપારીનો દીકરો પિતાના વ્યવસાયમાં જોડાય છે, નવી દુકાન, ઓફિસ ખોલે છે અથવા ઉદ્યોગ ઊભો કરે છે. ઉદ્યોગપતિનો દીકરો પિતાનો ઉદ્યોગ આગળ વધારે છે અને નવી ફેક્ટરી ઊભી કરે છે. પરંતુ ખેડૂતનો દીકરો ઘણી વખત ખેતી છોડીને શહેરમાં નોકરી કે વ્યવસાય શોધે છે. કારણ કે તેને લાગે છે કે ખેતીમાં મહેનત વધારે છે, જોખમ વધારે છે અને આવક નિશ્ચિત નથી.
પરિસ્થિતિ એવી બની છે કે ખેડૂતનો દીકરો પોતાના પિતાની જમીન પર ખેતી કરતો હોવા છતાં ભવિષ્યમાં નવી જમીન ખરીદી શકે તેવી આર્થિક ક્ષમતા પણ ઘણી વખત ઊભી કરી શકતો નથી. આ માત્ર એક પરિવારની સમસ્યા નથી; આ ગામડાં અને દેશના ભવિષ્ય સાથે જોડાયેલો મોટો પ્રશ્ન છે.
ગામડાંની કલ્પના વગરનું હિન્દુસ્તાન શક્ય નથી. ૧૪૦ કરોડથી વધુ લોકોનું પેટ ભરવા માટે કોઈ કંપનીના ઓફિસમાં બાજરી, ઘઉં, જુવાર કે કઠોળ ઊગવાના નથી. કોમ્પ્યુટરમાં શાકભાજી અને અનાજનું ઉત્પાદન થવાનું નથી. ખોરાકનું ઉત્પાદન તો ખેડૂતોના ખેતરમાં જ થવાનું છે. તેથી ખેડૂતને બચાવવો એટલે દેશની ખાદ્ય સુરક્ષા બચાવવી. અને જનતાને ભૂખમરાથી બચાવવી પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે ખેતીને જૂની પધ્ધતિઓમાં જ બાંધી રાખીએ. પરંપરાગત ખેતી નહીં, પરંતુ પરંપરાના સારા જ્ઞાન સાથે આધુનિક ખેતી અપનાવવી પડશે. ડ્રિપ સિંચાઈ, મલ્ચિંગ, સંરક્ષિત ખેતી, જમીન પરીક્ષણ, ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણ, યાંત્રિકીકરણ, ડિજિટલ
કૃષિ, પાક વૈવિધ્યકરણ, સચોટ પોષણ વ્યવસ્થાપન, બજાર સાથે સીધું જોડાણ અને મૂલ્યવર્ધન જેવા નવા આયામો ખેડૂત સુધી પહોંચાડવા પડશે. ખેતીમાં યોજનાકીય અખતરાઓ ન ચાલે, ખેતી માટે લાંબા ગાળાની યોજનાઓ અને આયોજન થકી જ વિકાસ થઈ શકે.
ખેતી સાથે પશુપાલન, બાગાયત, મધમાખી ઉછેર, પ્રોસેસિંગ ઉદ્યોગ, ર્હ્લઁં અને સહકારી વ્યવસ્થાને જોડવામાં આવે તો ગામડામાં જ અનેક આવકના સ્ત્રોત ઊભા થઈ શકે છે. સહકારી મોડેલ ને જે સહાય આપવામાં આવે છે એ જ સહાયો જો ખાનગી વ્યવસાય કરતા હોય અથવા એગ્રી એન્ટરપ્રિન્યોરને આપવામાં આવે તો ઝડપથી વિકાસ શક્ય બની શકે.
અહીં શિક્ષણનો મુદ્દો પણ ગંભીર છે. આજે ખેડૂતનો દીકરો એગ્રીકલ્ચર સંબંધિત અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા ઘણી વખત તૈયાર થતો નથી. બીજી તરફ ખેતીનો વ્યવહારુ અનુભવ ન ધરાવતા ઘણા યુવાનો માત્ર નોકરીની તક માટે કૃષિ સંબંધિત અભ્યાસ કરે છે. ચોપડીનું જ્ઞાન જરૂરી છે, પરંતુ ખેતરના અનુભવથી અલગ પડેલું ચોપડીનું જ્ઞાન અધૂરું છે. કૃષિ શિક્ષણમાં ખેતર, પશુ, બજાર, પાણી, જમીન અને ખેડૂતના વાસ્તવિક અનુભવને કેન્દ્રસ્થાને લાવવાની જરૂર છે. અને એક મજાની વાત પણ છે કે ખેતી કે પશુપાલન સાથે વાસ્તવમાં જોડાયેલો ન હોય તે વ્યક્તિ લાંબું પ્રવચન આપે છે અને ખેતી-પશુપાલન સાથે જોડાયેલા લોકો તાળીઓ પાડે છે. ભૂલ કોની, ભાષણ કરનારની કે સાંભળનારની? તેનો નિર્ણય હવે વાચકો પર છોડું છું.
સરકારની યોજનાઓ અને નીતિઓમાં પણ સમય પ્રમાણે પરિવર્તન જરૂરી છે. માત્ર સબસિડી આપવાથી પ્રશ્ન ઉકેલાશે નહીં. ખેડૂતની આવક, દૂધની કિંમત, પશુ આરોગ્ય, ચારો, પાણી, પ્રોસેસિંગ, સ્ટોરેજ, બજાર અને મૂલ્યવર્ધન આ બધાને એક સંકલિત મોડેલમાં જોવું પડશે.
આજે ખેતીને બચાવવાનો રસ્તો માત્ર “ખેડૂતને ખેતી કરો” કહેવામાં નથી. રસ્તો છે આધુનિક પશુપાલન, આધુનિક ખેતી, આધુનિક ટેકનોલોજી, આધુનિક બજાર અને ખેડૂત પરિવારની નવી પેઢીને ખેતી સાથે જોડવાનું.
ખેડૂતનો દીકરો ખેતીમાં ગૌરવ અનુભવે, પશુપાલનને વ્યવસાય તરીકે જુવે અને ખેતરને આધુનિક ઉદ્યોગની જેમ ચલાવે ત્યારે જ ગામડાં
સમૃધ્ધ બનશે અને ભારતની ખેતી ટકાઉ બનશે. પશુપાલન ક્ષેત્રમાં રોજગારીની ખૂબ મોટી તકો રહેલી છે દૂધ અને દૂધની બનાવટોની જે જરૂરિયાતો છે. તેની સામે આજે પશુપાલન નહિવત છે.ગામડાઓમાં પણ આજે દૂધની થેલી વહેચાય છે. જ્યાં પશુપાલન હોવું જોઈએ તે ગામડાઓ આજે પશુ વિહોણા બન્યા છે જેના કારણો સામાજિક પણ છે. પરંતુ પશુપાલન વ્યવસાય માટે સારી મદદ એ રોજગારીનું સર્જન કરનાર સાબિત થશે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મ દિવસ ૧૭ મી સપ્ટેમ્બર ના રોજ છે ખેતી પશુપાલન અને ગામડાઓના સર્વાંગી વિકાસ માટે અનેક વિધિ યોજનાઓ અમલી બનાવી છે, ત્યારે યોજનાઓનો લાભ લઈને પશુપાલન ને ઉભરતા આધુનિક વ્યવસાય થકી ખેતીને આધુનિક બનાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

“આ કાગળ ઉપર માણસ હદયના શબ્દો લખી ને મન મૂકી દેતો, જે સામે વાચક લાગણીઓ વાંચી આંખોમાંથી દરીયો છલકાવતો. આજે હવે વોટ્‌સઅપ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર ઘણા એવા કાગળ વાંચવા મળી રહે છે. જેમા જીવતર બરબાદ હોય છે પણ જાગે કોણ???