દામનગરની મેઈન બજારમાં જ્યારે પણ પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે સમગ્ર બજારમાં પાણી ફરી વળે છે અને દુકાને દુકાને પાણી પહોંચી જાય છે. જેના કારણે વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દર બે દિવસે પાણીનો આવો બગાડ થાય છે અને વેપારીઓની દુકાનોમાં કાદવ-કીચડ થઈ જાય છે. આ અંગે વેપારીઓ દ્વારા અનેક વખત નગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી. નગરપાલિકાના તંત્રની ઘોર બેદરકારી સામે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાણીનો બગાડ અટકાવવા અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તંત્ર ક્યારે જાગશે તેવા સવાલો ઉઠી રહ્યા છે.