દેશના અન્નદાતા ખેડૂતો આર્થિક રીતે સધ્ધર અને સશક્ત બને તેવા આશય સાથે અમરેલીના ત્રિ-મંદિર સ્થિત જાયજેન્ટિક હોલ ખાતે જિલ્લાકક્ષાના ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ભીલડી ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા દેશભરના ખેડૂતોને સંબોધન કર્યું હતું. તેમનું પ્રેરણાત્મક સંબોધન અમરેલી ખાતે ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોએ જીવંત નિહાળ્યું હતું.પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અમરેલી જિલ્લાના ૧.૯૩ લાખથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં ૨૪મા હપ્તા પેટે રૂ. ૩૮.૭૧ કરોડથી વધુની સહાય સીધી જમા કરવામાં આવી હતી. આ સહાય મળતાં જિલ્લાના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આ યોજનાઓનો લાભ છેવાડાના ખેડૂત સુધી કોઈપણ વચેટિયા વિના સીધો તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી)ના માધ્યમથી પહોંચાડવામાં આવે છે. તેના કારણે સરકારી સહાયની પ્રક્રિયામાં પારદર્શિતા અને ઝડપ આવી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં દરેક સમાજ અને દરેક વર્ગનું સશક્તિકરણ થઈ રહ્યું છે. ભારત વિકાસના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશની મહિલાઓ અને દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે અને પોતાની ક્ષમતા તથા શક્તિના આધારે નવા શિખરો સર કરી રહી છે.આ કાર્યક્રમ દરમિયાન અમરેલી જિલ્લામાં ગાય આધારિત અને રાસાયણિક મુક્ત પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પ્રગતિશીલ ખેડૂતોનું મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ખેતીવાડી વિભાગની વિવિધ ખેડૂતલક્ષી કલ્યાણકારી યોજનાઓ હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પૂર્વમંજૂરીના હુકમો અને સહાયપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને વાર્ષિક રૂ. ૬,૦૦૦ની સહાય ત્રણ સમાન હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આર્થિક સહાયથી ખેડૂતોને બિયારણ, ખાતર અને અન્ય ખેતીલક્ષી સામગ્રીની ખરીદીમાં મદદ મળે છે. નાના અને સીમાંત ખેડૂતોને ખેતીના ખર્ચમાં રાહત આપવા તેમજ તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં આ યોજના મહત્વની ભૂમિકા ભજવી રહી છે.આ કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકાનાં પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા, અગ્રણી અતુલભાઈ કાનાણી, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, સુપરન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટર હર્ષિતા ગોયલ, જિલ્લા વિકાસ અધિકારી (ઇન્ચાર્જ) કે.જે. જાડેજા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, નિવાસી અધિક કલેક્ટર ડોડિયા, અમરેલી પ્રાંત અધિકારી જાડેજા, જિલ્લા ખેતીવાડી અધિકારી કાનાણી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.