લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ‘રન ફોર યુનિટી’ એટલે કે ‘એકતા દોડ’નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ ફોરવર્ડ સર્કલ ખાતેથી દોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ દેશભક્તિના નારા લગાવી રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો.એકતા દોડ ફોરવર્ડ સર્કલથી શરૂ થઈ નાગનાથ મહાદેવ મંદિર, રાજકમલ ચોક અને ટાવર રોડ થઈને ફરી ફોરવર્ડ સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી. કાર્યક્રમમાં સાંસદ ભરત સુતરીયા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી પણ જોડાયા હતા. આ ઉપરાંત અમરેલી નગરપાલિકાનાં પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયા, જિલ્લાના અગ્રણી અતુલ કાનાણી, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી કે.જે. જાડેજા અને જિલ્લા પોલીસ વડા સંજય ખરાત ઉપસ્થિત રહ્યા હતા. માર્ચમાં અમરેલી પોલીસના જવાનો, જિલ્લા કક્ષાની રમતગમત શાળાના ખેલાડીઓ, સરકારી કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ જાળવી રાખવાના શપથ લીધા હતા.ઉલ્લેખનીય છે કે સરદાર વલ્લભભાઈ પટેલે દેશની આઝાદી બાદ ૫૬૨ દેશી રજવાડાંને ભારતીય સંઘમાં જોડવામાં ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની જન્મજયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવીને દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ આપવામાં આવે છે.