જાફરાબાદના મીઠાપુર ગામે તળાવમાંથી સિંચાઈ માટે મૂકેલું પાણી કાઢવાનું મશીન હટાવવાનું કહેતાં માથાકૂટ થઈ હતી. બનાવ અંગે અશોકભાઈ સુખાભાઈ મકવાણા (ઉં.વ.૨૫)એ છનાભાઈ પાંચાભાઈ મકવાણા, લાલાભાઈ છનાભાઈ મકવાણા તથા સંજયભાઈ છનાભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપીઓએ તેમની વાડીની બાજુમાં આવેલા તળાવમાંથી પાણી કાઢવા સિંચાઈ માટે મશીન મૂક્યું હતું. જેથી અશોકભાઈએ છનાભાઈ મકવાણાને તે મશીન બંધ કરી કાઢી લેવાનું કહ્યું હતું. આ વાતનું મનદુઃખ રાખી અશોકભાઈ તથા તેમના ભાઈ વાડીએથી ઘરે આવતા હતા, તે દરમિયાન આરોપીઓએ રસ્તામાં તેમને રોકીને કહ્યું હતું કે, ‘તેં શું કામ આપણા ગામના સરપંચને ફોન કરીને તળાવમાંથી અમારું મશીન કાઢવાનું કહ્યું?’ તેમ કહી આરોપીઓ તેમને ગાળો આપવા લાગ્યા હતા. ઉપરાંત લાકડાના હાથાવાળી કુહાડીથી શરીરે માર મારી મૂંઢ ઈજાઓ કરી હતી તેમજ લાકડીનો એક ઘા માથાના ભાગે મારી મૂંઢ ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ. વી. દાફડા વધુ તપાસ કરી રહ્યા છે.