જામનગર શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન એસ્ટેટ શાખાની ટીમ પર સ્થાનિક તત્વો દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકાની દબાણ ટીમ પર કેટલાક તત્વોએ સ્પ્રે છાંટી પથ્થરમારો કરતા ચાર કર્મચારી ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે દબાણ શાખા દ્વારા પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ અંબર ચોકડીથી જૂના રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર રસ્તા નડતરરૂપ ગેરકાયદેસર દબાણો હટાવવાની નિયમિત કામગીરી કરી રહી હતી. આ ટીમ જ્યારે બાવરી વાસ વિસ્તારમાં પહોંચી ત્યારે સ્થાનિક દબાણકર્તાઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. જાતજાતામાં આ વિરોધ ઉગ્ર સ્વરૂપમાં ફેરવાઈ ગયો હતો અને કેટલાક માથાભારે તત્વોએ સરકારી કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો.
અસામાજિક તત્વોએ કેમિકલ સ્પ્રે છાંટી અને હથિયારો વડે હુમલો કરતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાર કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
પ્રાથમિક અહેવાલો અનુસાર, હુમલાખોરોએ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે એસ્ટેટ શાખાની ટીમની આંખોમાં કોઈ અજાણ્યો ઝેરી કેમિકલ સ્પ્રે છાંટ્યો હતો, જેથી કર્મચારીઓ કંઈ જોઈ ન શકે. ત્યારબાદ તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે હિંસક હુમલો કરવામાં આવ્યો હતો, તેમજ ટીમ પર ભારે પથ્થરમારો પણ કરાયો હતો. આ હિંસક હુમલામાં જામનગર મનપાની એસ્ટેટ શાખાના ચાર સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં વિજયસિંહ ઝાલા, ચેતનસિંહ જાડેજા, વિજય રાઠોડ,મહીપત દાઉદીયા ઇજાગ્રસ્ત થયા હતા અને તેમણે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
“અમે કાયદેસરની ફરજ પર હતા ત્યારે અચાનક ટોળાએ આવીને સ્પ્રે છાંટ્યો અને પથ્થરમારો શરૂ કર્યો. સરકારી કર્મચારીઓ પર આ પ્રકારનો હુમલો સહન કરી શકાય નહીં.” ધર્મેન્દ્રસિંહ જાડેજા, દબાણ નિરીક્ષક, જામનગર
આ ઘટનાને પગલે અંબર ચોકડી અને જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં થોડા સમય માટે ભારે અફરાતફરી અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. એસ્ટેટ શાખાના ઉચ્ચ અધિકારીઓએ આ ઘટના અંગે ઘેરા પ્રત્યાઘાતો આપ્યા છે અને ફરજ પરના કર્મચારીઓ પર હુમલો કરનાર તમામ જવાબદાર તત્વો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલ પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









































