અમરેલી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. ઈશ્વરીયા, કોલડા અને બહારપરા ખાતે નવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ઈશ્વરીયા ખાતે આંગણવાડી, બાલવાટિકા, ધોરણ ૧, ધોરણ ૬ અને ધોરણ ૯માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સરકારી પ્રાથમિક શાળાઓમાં મળતા ગુણવત્તાસભર શિક્ષણ અંગે માહિતી આપવામાં આવી હતી. ગામડાની સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સતત ઊંચુ જઈ રહ્યું હોવાથી શહેરના વાલીઓ પણ પોતાના બાળકોને આવી શાળાઓમાં અભ્યાસ માટે મોકલી રહ્યા હોવાનું જણાવાયું હતું. સરકારી શાળાઓમાંથી અભ્યાસ કરીને અનેક લોકો વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવી રહ્યા હોવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.કોલડા ખાતે નવી સરકારી પ્રાથમિક શાળાના મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આશરે ૧.૧૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ મકાનમાં વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાસભર વાતાવરણમાં શિક્ષણ મળી રહેશે. બાળકો માટે નવી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.