સાવરકુંડલા શહેરને સમગ્ર અમરેલી જિલ્લામાં સેન્સેટિવ માનવામાં આવે છે. ભૂતકાળમાં આ શહેરમાં કોમી તોફાનો થઈ ચૂક્યા છે, તેનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ ઘણા સમયથી શાંતિ સમિતિની બેઠકમાં સ્થાનિક આગેવાનો અને પત્રકારો સાથે વાતચીત કરી જરૂરી સૂચનો તેમ જ સહકાર માગી રહી છે. આ મુદ્દે ખુદ જિલ્લા પોલીસ વડાએ હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ, વેપારીઓ સંસ્થાના આગેવાનો, વરિષ્ઠ નાગરિકો અને પત્રકારો સાથે વાતચીત કરીને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. મહોરમ નિમિત્તે તાજીયાના રૂટ ઉપરથી સમયસર તાજીયા પસાર કરવા, સમય મર્યાદામાં કામ અને તહેવાર પૂર્ણ કરવો, શહેરમાં રસ્તાના કામ ચાલતા હોય ત્યાં ટ્રાફિક ન થાય તે બાબતે સહકાર આપવો, આ ઉપરાંત જો કોઈ અજાણી વ્યક્તિ આવે તો તેના ઉપર ખાસ ધ્યાન આપી તોફાન ન કરે તેની તકેદારી રાખવી તેવી સૂચનાઓ આપેલ છે.