ધારી માર્કેટયાર્ડ ખાતે યોજાયેલી બીજી ટર્મની ચૂંટણીમાં ચેરમેન તરીકે ભરતભાઈ અંટાળા બિનહરીફ વિજેતા જાહેર થયા છે, જ્યારે વાઈસ ચેરમેન તરીકે સુભાષભાઈ ગજેરાની વરણી કરવામાં આવી છે.
આ પ્રસંગે મોં મીઠા કરાવીને બંને હોદ્દેદારોનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું. ભાજપ સંગઠન દ્વારા તમામ ડિરેક્ટર્સને વ્હીપ બજાવવામાં આવ્યો હતો, જેને સર્વેએ વધાવી લીધો હતો. આ નવી વરણી બદલ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને ધારાસભ્ય જે.વી. કાકડીયા સહિતના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.માર્કેટયાર્ડના ડિરેક્ટર મૃગેશ કોટડીયાના જણાવ્યા અનુસાર, બંને હોદ્દેદારોએ યાર્ડના વિકાસ માટે સાથે મળીને કામ કરવાની અને ખેડૂતો તેમજ વેપારીઓને પૂરતી સુવિધા આપવાની ખાતરી આપી છે. આગામી સીઝનમાં ખેડૂતોને પોતાના માલના વ્યાજબી ભાવ સ્થાનિક સ્તરે જ મળી રહે અને વેપારીઓને પૂરતો માલ ઉપલબ્ધ થાય તેવું સુદ્રઢ આયોજન કરવા અંગે પણ ખાતરી આપવામાં આવી હતી.










































