રામ મંદિર મેં ચોરી ?
સાંભળીને જ આઘાત લાગી જાય પણ નયા ભારતમાં સબ કુછ હો સકતા હૈ એ જોતાં રામમંદિરમાં દાનની ચોરીની ઘટના આક્ષેપજનક નથી. બલ્કે રામમંદિરના વહીવટમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપો તો લાંબા સમયથી થયા જ કરે છે. આ વખતે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓએ પણ આક્ષેપ કરતાં ઉત્તર પ્રદેશ સરકારે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) બનાવવી પડી. એસઆઈટીના દરોડામાં રામમંદિરને મળતી દાનની રકમની ગણતરી કરનારાં પાસેથી લાખો રૂપિયાની બિનહિસાબી રકમ મળી આવતાં ચોરી થતી હોવાની વાત સાચી હોવાનું લાગી રહ્યું છે.
સમાજવાદી પાર્ટી સરકારમાં મંત્રી રહેલા પવન પાંડેએ દાવો કરેલો કે, રામ મંદિરના દાનમાંથી લગભગ સાડા સાત કરોડ રૂપિયાની ચોરી કરવામાં આવી છે. એ પછી સમાજવાદી પાર્ટીના નેતાઓએ ૨૦૦ કરોડની ચોરીનો આક્ષેપ કર્યો પણ વિગતો બહાર આવી રહી છે એ જોતાં આ ચોરી બહુ મોટી હોય એવું બને.
ચોરીની ઘટનામાં અત્યારે મુખ્ય પાત્રો લવકુશ મિશ્રા અને અભિકલ્પ મિશ્રા છે. મંદિરના કર્મચારી લવકુશ મિશ્રાના ઘરે દરોડામાં છાણાંમાં છૂપાવેલા ૧૦ લાખ રૂપિયા મળી આવ્યા જ્યારે તેના સાળા અનુકલ્પ મિશ્રાને ત્યાંથી પણ જંગી રકમ મળી. અનુકલ્પ અને લવકુશ બંને હાલ પોલીસ કસ્ટડીમાં છે. આ સિવાય પોલીસે મંદિરના મુખ્ય કારભારી ચંપત રાયના ડ્રાઈવર રામપ્રસાદ યાદવ ઉર્ફે ટિન્નુને ત્યાં પાડેલા દરોડામાં ૫૦ કરોડથી વધારેની સંપત્તિની વિગતો મળી છે. ૨૦૨૧ સુધી ટેમ્પો ચલાવતા ટિન્નુ પાસે ૫ વર્ષમાં આટલી જંદી સંપત્તિ ક્યાંથી આવી ગઈ એ સવાલ છે.
આ સિવાય બીજા પણ ઘણા સવાલો છે. એસઆઈટીને મંદિરને મળેલા દાનની ચોરીના આક્ષેપોની થોકબંધ અરજીઓ મળી છે. તેમાં રામ જન્મભૂમિ ચળવળના કાર્યકર સંતોષ દુબેએ આક્ષેપ મૂક્યો છે કે, રામ મંદિરમાંથી લગભગ ૧,૨૫૦ કિલો સોનું ઉપરાંત મોટા પ્રમાણમાં ચાંદી, હીરા જડિત અને અષ્ટધાતુ ઇંટો પણ ગુમ થઈ ગઈ છે. ભાજપ નેતા ડો. રજનીશ સિંહે વડા પ્રધાન મોદીને પત્ર લખીને જંગી રકમની ચોરી થઈ હોવાના આક્ષેપ કર્યા જ છે.
આ આક્ષેપોમાં ચંપત રાય કેન્દ્રસ્થાને છે. રામ જન્મભૂમિ ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવનારા ભાજપના ભૂતપૂર્વ સાંસદ વિનય કટિયારે માંગ કરી છે કે, ચંપત રાયને વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવીને બરતરફ કરવામાં આવે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે તો ચંપત રાયે ભૂતકાળમાં જમીન કૌભાંડ કર્યાં હોવાનો આક્ષેપ પણ કર્યો છે. સિંહના આક્ષેપ પ્રમાણે, જૂન ૨૦૨૧ માં અયોધ્યામાં એક વ્યક્તિએ ૨ કરોડ રૂપિયામાં જમીન ખરીદી હતી. તેની થોડી મિનિટો પછી જ ટ્રસ્ટે રૂપિયા ૧૮.૫ કરોડમાં આ જમીન ખરીદીને મોટું કૌભાંડ કર્યું હતું. એ જ રીતે શાહનવાઝપુર માઝા ગામમાં ટ્રસ્ટે ૧૪,૭૩૦ ચોરસ મીટર જમીન ખરીદી તેના માટે ૫૫ કરોડથી વધારે રકમ ચૂકવી હતી જ્યારે તેની વાસ્તવિક કિંમત ૯ કરોડ જ છે. જમીન વેચનારો બંસલ પરિવાર છે ને ચંપત રાય પણ બંસલ હોવાથી રાયે પોતાનાં સગાંને ફાયદો કરાવ્યાના આક્ષેપ થઈ રહ્યા છે. બીજા પણ આક્ષેપ થઈ રહ્યા હોવાછી ચંપત રાય ચક્ચાના ચગડોળે ચડી ગયા છે.
ચંપત રાય કોણ છે ?
રામમંદિરમાં ચોરીની ઘટનામાં શંકાની સોય ચંપત રાય સામે તણાઈ રહી છે કેમ કે ચંપત રાયનો ડ્રાઈવર રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ સકંજામાં આવી ગયો છે. વિશ્વ હિન્દુ પરિષદના ઉપપ્રમુખ અને હાલમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચંપત રાય બંસલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (rss)માંથી આવે છે. ૧૯૪૬માં ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના નગીનામાં જન્ભૌમેલા ચંપત રાયે ભૌતિકશાસ્ત્રમાં માસ્ટર્સ કરેલું છે. ધામપુરની આર.એસ.એમ ડિગ્રી કોલેજમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર તરીકે કામ કરી ચૂકેલા રાયે જૈન ફિલસૂફી પર અનેક પુસ્તકો પણ લખ્યાં છે.
ચંપત રાય પછીથી નોકરી છોડીને સંઘના પૂર્ણ સમયના પ્રચારક બની ગયા તેથી લગ્ન કર્યાં નથી. ૧૯૭૫માં કટોકટી વખતે ચંપત રાય ૧૮ મહિના જેલમાં રહ્યા હોવાનું કહેવાય છે. જેલમાંથી છૂટ્યા પછી રાય વિશ્વ હિંદુ પરિષદમાં સક્રિય બન્યા. રામમંદિરના કાનૂની ખટલા વખતે ચંપત રાય વિશ્વ હિંદુ પરિષદ વતી તમામ રેકોર્ડ રાખતા અને હિંદુઓ વતી કેસ લડતા વકીલોને આ રેકોર્ડ પૂરા પાડતા હતા. તેના કારણે રામમંદિર ચળવળમાં એ મહત્વના પાત્ર તરીકે ઉભર્યા.
૨૦૨૧માં કાનૂની લડતના અંતે રામ જન્મભૂમિ હિંદુઓની હોવાનો ચુકાદો આવ્યો પછી સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, કેન્દ્ર સરકારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરીને ટ્રસ્ટમાં ૧૫ સભ્યોની નિમણૂક કરી. આ ટ્રસ્ટમાં મહંત નૃત્ય ગોપાલ દાસ પ્રમુખ, સ્વામી ગોવિંદ દેવ ગિરી ખજાનચી, વરિષ્ઠ વકીલ કે. પરાશરન, ડા. અનિલ મિશ્રા, કામેશ્વર ચૌપાલ અને મહંત દિનેન્દ્ર દાસ સહિત ઘણા ધાર્મિક અને સામાજિક આગેવાનો હતા પણ સૌથી વધારે મહત્વ ચંપત રાયને મળ્યું કેમ કે ચંપત રાયને મહામંત્રી બનાવીને રોજબરોજની કામગીરીનો કાર્યભાર સોંપાયો હતો.
ચંપચ રાય પાસે મંદિરની તમામ આર્થિક બાબતોનો વહીવટ છે. મંદિર નિર્માણ પ્રોજેક્ટની દેખરેખ, દાન અને પ્રસાદનું સંચાલન વગેરે આર્થિક બાબતો રાય જુએ છે. ટ્રસ્ટ વતી સત્તાવાર વ્યવહાર સંભાળવા, બેઠકોનું સંકલન અને વિવિધ એજન્સીઓ સાથે સંપર્ક સાધવાની પ્રાથમિક જવાબદારી પણ રાય પાસે હોવાથી રામ મંદિર અંગે મોટી જાહેરાતો રાય જ કરે છે.
ચંપત રાય કેમ શંકાના દાયરામાં છે ?
ચંપત રાય બે કારણસર શંકાના દાયરામાં છે. પહેલું કારણ તેમનો ડ્રાઈવર રામપ્રસાદ યાદવ ઉર્ફે ટિન્નુ છે. બીજું કારણ ભાજપ અને સંઘના નેતાઓએ કરેલા આક્ષેપો છે. ફેબ્રુઆરી ૨૦૨૧ થી જુલાઈ ૨૦૨૨ સુધી રામ મંદિરના એકાઉન્ટ ઓફિસર રહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક મહિપાલસિંહે આક્ષેપ કર્યો છે કે, મંદિરમાં ૨૦૨૧થી ચોરી થઈ રહી છે અને દાનમાં આવતા સોના-ચાંદીનો કોઈ લેખિત રેકોર્ડ રાખવામાં આવતો નથી. મંદિરને મળતા સોના-ચાંદી સહિતના ધાતુના દાનના ફોટો લઈને આ ચીજો ચંપત રાયને મોકલી દેવાતી હતી. ટિન્નુ આવીને બધું લઈ જતો પછી બધું ક્યાં જતું તેની કોઈને ખબર નથી.
દાનની રોકડ રકમ બેંકમાં જમા કરાવવા રામશંકર યાદવ જ જતો. દરરોજ કેટલી રકમ આપી તેનો રેકોર્ડ રાખવા રોકડ લેવા આવે ત્યારે વાઉચર પર ટિન્નુની સહી લેવાની સિસ્ટમ શરૂ કરાવેલી પણ રાયે એ પ્રથા બંધ કરાવી દીધી હતી. મહિપાલ સિંહનો દાવો છે કે, મંદિરમાં ચોરી રોજ થતી અને મેં પોતે ચોરી પકડી હતી. ચોરીની ફરિયાદ ચંપત રાય અને સભ્ય ગોપાલજીને કરતાં જ બીજા જ દિવસે ચંપત રાયે મને હટાવી દીધો હતો. મહિપાલસિંહે ચોરીમાં બીજા પદાધિકારીઓ સામેલ હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
ઉત્તર પ્રદેશ સરકારે ટિન્નુને ત્યાં પાડેલા દરોડામાં ૫૦ કરોડની સંપત્તિ હોવાનું બહાર આવ્યું છે. ચંપત રાયનો ડ્રાઈવર ટૂંકા ગાળામાં આટલો ધનિક કઈ રીતે બની ગયો એ સવાલ થઈ જ રહ્યો છે. સાથે સાથે ચંપત રાયના આશિર્વાદથી આખો ખેલ ચાલતો હોવાની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે.
હિંદુઓ કેમ ચૂપ છે ?
રામમંદિરના દાનની ચોરી કરનારાંને શું થશે એ ખબર નથી પણ આ મુદ્દે હિંદુઓની ચૂપકીદી ખટકે છે. ભગવાન શ્રી રામ હિંદુઓના આરાધ્ય છે તેથી લોકો શ્રધ્ધાથી ભગવાન શ્રી રામના મંદિરમાં યથાશક્તિ દાન કરે છે. એક રૂપિયાના સિક્કાથી માંડીને એક કરોડ રૂપિયાના હીરાજડિત સોનાના મુગટ સુધીનો ચઢાવો શ્રધ્ધાળુઓએ ભગવાન શ્રી રામના ચરણોમાં મૂક્યો છે.
આ રકમ મંદિરનો કારભાર કરતા ચોરો ચાઉં કરી ગયા એ જોઈને હિંદુઓનું લોહી નથી ઉકળતું એ જોઈને આઘાત લાગે છે. ભાજપ અને સંઘના કેટલાક નેતાઓએ આ ચોરી સામે અવાજ ઉઠાવ્યો છે. તેમને સલામ કરવી જોઈએ પણ ભાજપના બહુમતી નેતા અને હિંદુવાદી સંગઠનો બિલકુલ મૌન છે.
શ્રધ્ધાળુઓએ શ્રધ્ધાથી ચડાવેલી રકમ ચોરનારા લોકોને સજા કરાવવા માટે અત્યંત પ્રચંડ અવાજ ઉઠવો જોઈએ તેના બદલે હિંદુઓ સાવ કાયરની જેમ બેસી રહ્યા છે એ આઘાતજનક કહેવાય.
જટ્ઠહર્દ્ઘખ્તpેિૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
આભાર – નિહારીકા રવિયા









































