અમરેલી તાલુકાકક્ષાના વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી સ્વામિનારાયણ ગુરુકુલ, તરવડા ખાતે ઉત્સાહભેર યોજાઈ હતી. ગુરુકુલના ભવ્ય અને દિવ્ય પ્રાંગણમાં પૂજ્ય સંતો, મહાનુભાવો તેમજ સંસ્કારયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરતા ૧૮૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે ગુરુકુલના સંચાલક શાસ્ત્રી રામકૃષ્ણદાસજી સ્વામીએ ભારતીય સંસ્કૃતિમાં યોગના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ અમરેલીના મામલતદારે યુવાનોને યોગ અપનાવી એકાગ્રતા અને સ્વસ્થ જીવનશૈલી વિકસાવવા પ્રેરિત કર્યા હતા.કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુકુલના વિશાળ પ્રાંગણમાં ૧૮૫૦ વિદ્યાર્થીઓને શિસ્તબધ્ધ રીતે યોગ કરતાં જોઈ સૌ મંત્રમુગ્ધ બની ગયા હતા.








































