સાવરકુંડલાના અતિ વ્યસ્ત હાથસણી રોડના બિસ્માર માર્ગ અંગે જાગૃત નાગરિક પ્રિયંક પાંધી દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય સુધી
રજૂઆતો કરવા છતાં, તંત્ર માત્ર કાગળ પર જ એક્શન મોડમાં આવ્યું છે.
૨૦ જેટલી સોસાયટીઓ અને ૪ ગામોને જોડતા સાવરકુંડલા થી હાથસણી ગામ સુધીના આ ૭ કિલોમીટરના રસ્તાની કામગીરીમાં ઘોર વિલંબ અને નબળા કામને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમરેલીના પંચાયત માર્ગ મકાન વિભાગે પોતે સ્વીકાર્યું છે કે નવનિર્મિત સી.સી. રોડમાં તિરાડો પડી ગઈ છે, તેમ છતાં એજન્સી સામે કોઈ કડક દંડાત્મક પગલાં લેવાને બદલે માત્ર પત્ર પાઠવીને સંતોષ માની લેવામાં આવ્યો છે. ચોમાસું નજીક હોવા
છતાં ડામરની કામગીરી સંપૂર્ણપણે બાકી છે. જો ટૂંક સમયમાં ગુણવત્તાયુક્ત કામ શરૂ નહીં થાય, તો રહીશોએ નામદાર કોર્ટના દરવાજા ખટખટાવવાની સ્પષ્ટ ચેતવણી આપી છે.