સરકારી કાર્યક્રમોમાં ભીડ એકઠી કરવા માટે શાળાના માસૂમ બાળકોનો ઉપયોગ કરવો અને ત્યારબાદ તેમની સુરક્ષા કે સ્વાસ્થ્ય પ્રત્યે ઘોર બેદરકારી દાખવવી, તે વહીવટી તંત્રની એક કમનસીબ આદત બની ગઈ છે. આવી જ એક સંવેદનહીન અને આઘાતજનક ઘટના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતેથી સામે આવી છે. વન વિભાગના એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા શાળાના બાળકોને કલાકો સુધી ધોમધખતા તડકામાં ઊભા રાખવામાં આવતા કેટલાક વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લા દક્ષિણ વન વિભાગની સંજાણ રેન્જ દ્વારા ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સરકારી કાર્યક્રમની શોભા વધારવા માટે સ્થાનિક તુંબ પ્રાથમિક શાળાના નિર્દોષ વિદ્યાર્થીઓને ખાસ બોલાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય રમણલાલ પાટકર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, અન્ય સભ્યો, સરપંચો તેમજ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ મોટા કાફલા સાથે ઉપસ્થીત રહ્યા હતા. નેતાઓ અને અધિકારીઓના સ્વાગત, ભાષણો અને લાંબી વિધિઓને કારણે કાર્યક્રમ ધાર્યા કરતાં ઘણો લાંબો ખેંચાયો હતો. એક તરફ નેતાઓ માટે સ્ટેજ પર છાંયડો અને સુવિધાઓ હતી, તો બીજી તરફ નાના બાળકોને આકરા તાપમાં ખુલ્લા મેદાનમાં લાંબા સમય સુધી ઊભા રાખવામાં આવ્યા હતા.
જૂન મહિનાના અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીને કારણે તડકામાં ઊભેલા માસૂમ બાળકોની હાલત ધીમે-ધીમે કફોડી થવા લાગી હતી. આખરે, આકરો તાપ સહન ન થતાં કેટલાક વિદ્યાર્થીઓ ચક્કર આવીને જમીન પર ઢળી પડ્યા હતા અને બેભાન થઈ ગયા હતા. બાળકો બેભાન થતાં જ કાર્યક્રમ સ્થળે થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.
આ ઘટનામાં તંત્રની સૌથી મોટી અને આઘાતજનક બેદરકારી ત્યારે સામે આવી જ્યારે તબિયત લથડવા છતાં બાળકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની તસ્દી કોઈએ ન લીધી. પોતાની ભૂલ છુપાવવા અથવા તો કાર્યક્રમમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે, બીમાર વિદ્યાર્થીઓને તબીબી સારવાર આપવાને બદલે માત્ર સરકારી ગાડીઓમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. નેતાઓનો કાર્યક્રમ સંપૂર્ણપણે પૂર્ણ થયો, ત્યારબાદ જ આ બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાને પગલે સ્થાનિકો અને વાલીઓમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જાવા મળી રહ્યો છે. સરકારી વાહવાહી લૂંટવા માટે શાળાના બાળકોનો ‘ટોળું’ તરીકે ઉપયોગ કરવાની અને તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાની આ નીતિની સોશિયલ મીડિયા પર પણ આકરી ટીકા થઈ રહી છે. જવાબદાર વન વિભાગના અધિકારીઓ અને શાળા પ્રશાસન સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.










































