કડીમાં આવેલી બલાસર કોલોનીમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી અને ક્રૂર ઘટના સામે આવી છે. અહીં અજાણ્યા અસામાજિક તત્વોએ ત્રણ અબોલ પશુઓની નિર્મમ હત્યા કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે સ્થાનિક માલધારી સમાજ અને રહીશોમાં તીવ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. ઘટનાની જાણ થતાં જ પશુપાલક પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે અને વહેલી તકે ન્યાયની માગ કરી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, આ હૃદયદ્રાવક ઘટના સ્થાનિક પશુપાલક ગોવાભાઈ પરબતભાઈના પશુઓ સાથે બની છે. ગોવાભાઈ પોતાના અને મોટા ભાઈના પશુઓનું પાલનપોષણ કરતા હતા. રોજિંદા ક્રમ મુજબ તેઓ રાત્રે આશરે ૨ વાગ્યાની આસપાસ ભેંસો પાસે હતા અને ત્યાંથી તેઓ થોડા સમય માટે દૂર થયા હતા. જા કે, રાત્રે ૨થી વહેલી સવારના ૫ વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા શખ્સોએ તકનો લાભ ઉઠાવી ત્રણ ભેંસોને નિશાન બનાવી હતી અને તીક્ષ્ણ હથિયારો વડે તેમને રહેંસી નાખી હતી.
પશુપાલક જ્યારે સવારે ૫ વાગ્યે પોતાના પશુઓ પાસે પરત પહોંચ્યા ત્યારે ભેંસો ત્યાં જાવા મળી નહોતી. આસપાસ શોધખોળ અને તપાસ કરતા પશુઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. હત્યારાઓએ એટલી હદે ક્રૂરતા દાખવી હતી કે ભેંસોને કાપી નાખ્યા બાદ તેનું માંસ અને અવશેષો ત્યાં જ નજીકની ગટરમાં ફેંકી દીધા હતા. પશુઓના લોહીલુહાણ અવશેષો જાઈને પશુપાલક સહિત આસપાસના રહીશોના કાળજા કંપી ઉઠ્યા હતા.
આ ઘટના અંગે સ્થાનિક અગ્રણી ગપુર રબારીએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, “અમારા ગામની બલાસર કોલોનીમાં આ અરેરાટીભર્યો બનાવ બન્યો છે. પશુપાલક રાત્રે ૨ વાગ્યે પશુઓ મૂકીને ગયા અને સવારે ૫ વાગ્યે આવ્યા ત્યારે આખી ઘટના પ્રકાશમાં આવી. અબોલ જીવોની આવી ઘાતકી હત્યા સાંખી લેવાય નહીં. આ ગુનામાં સંડોવાયેલા નરાધમોને આગામી ૨૪ કલાકમાં જ ઝડપી પાડવામાં આવે અને તેમની સામે કડકમાં કડક કાનૂની પગલાં ભરવામાં આવે.”









































