રાજુલા તાલુકાનાં ખેરા ગામમાં પ્રેમસંબંધની આશંકાને પગલે એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. યુવતીને ભગાડી જવાની શંકાના આધારે કેટલાક લોકોએ એક યુવકના પિતાનું અપહરણ કરીને તેમની સાથે મારપીટ કરી હતી. વધુ ગંભીર બાબત એ છે કે અપહરણગ્રસ્ત વ્યક્તિને છોડાવવા પહોંચેલી પોલીસ ટીમ પર પણ ટોળાએ હુમલો કર્યો હતો, જેમાં ઁજીં સહિત ત્રણ પોલીસકર્મીઓને ઈજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટનાને લઈને પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ, હુમલો અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર ખેરા ગામના રહેવાસી દેવશીભાઈ ગુજરીયાના પુત્રને એક યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની શંકા યુવતીના પરિવારજનોને હતી. યુવતી અચાનક ઘરેથી ગાયબ થતાં યુવતીના પરિવારજનોને લાગ્યું કે દેવશીભાઈનો પુત્ર તેને ભગાડી ગયો હશે. આ શંકાના આધારે કેટલાક લોકોએ દેવશીભાઈ ગુજરીયાનું હિંડોરણા વિસ્તારથી અપહરણ કર્યું હતું.અપહરણ બાદ દેવશીભાઈને ખેરા ગામની સીમમાં આવેલા એક જાંબુડાના ઝાડ સાથે બાંધી રાખવામાં આવ્યા હતા. ત્યાં કેટલાક પુરુષો તેમજ મહિલાઓ દ્વારા તેમને માર મારવામાં આવતો હતો. દરમિયાન આ ઘટનાની જાણ પીપાવાવ મરીન પોલીસને થતાં પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી.પીપાવાવ મરીન પોલીસના PI વી. કે. રાઠોડના માર્ગદર્શન હેઠળ PSI કે. ડી. હડિયા, પોલીસ કર્મચારી ચંપુભાઈ પોપટ, અક્ષયભાઈ મોરી અને મગનભાઈ ધાપા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સમયસર કાર્યવાહી કરીને દેવશીભાઈ ગુજરીયાને ટોળાની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા.