રાજ્યમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા લાલજી દેસાઈએ એક જાહેર નિવેદન આપીને આમ આદમી પાર્ટી અને કિસાન સંઘ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ખેડૂતોના આંદોલનને નબળું પાડવા અને વાતાવરણ ડહોળવા માટે આપના હોદ્દેદારો અને કિસાન સંઘના કેટલાક લોકો જાણીજાઈને આંદોલનમાં ઘૂસી આવ્યા હતા. આંદોલનમાં થયેલી અરાજકતા અને અસફળતા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એકબીજા પર ગંભીર આક્ષેપો કર્યા છે.
કોંગ્રેસ નેતા લાલજી દેસાઈએ આક્ષેપ કર્યો હતો કે આંદોલનમાં થયેલી અંધાધૂંધી પાછળ આમ આદમી પાર્ટીના કાર્યકરો જવાબદાર છે. તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે ખેડૂતોની મોટી સંખ્યા જાઈ સરકાર વાતાઘાટો માટે તૈયાર હતી, પરંતુ આપના સભ્યોએ આંદોલનમાં ઘૂસીને સ્થીતિ બગાડી અને આખું આંદોલન વેરવિખેર કરી નાખ્યું. અમે શરૂઆતથી જ સ્પષ્ટ કર્યું હતું કે ભાજપ, કિસાન સંઘ અને આપના લોકો આમાં ન જાડાય, છતાં તેમના હોદ્દેદારો વાતાવરણ બગાડવા આવ્યા હતા. લાલજી દેસાઈએ વધુમાં ઉમેર્યું કે, આપના કારણે ખેડૂતોએ પોલીસની લાઠીઓ ખાવી પડી. અમે નહોતા ઈચ્છતા કે ખેડૂતો પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરે, અમે કાયદાના દાયરામાં રહીને લડવા માંગતા હતા.”
લાલજી દેસાઈએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગઈકાલે ખેડૂત આંદોલનમાં ઉમટેલી ભારે ભીડ અને ખેડૂતોનો જનસૈલાબ જાઈને સરકાર પણ નમી હતી અને વાતાઘાટો કરવા માટે સંપૂર્ણ તૈયાર થઈ ગઈ હતી. આંદોલન એક યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું હતું અને ખેડૂતોની માંગણીઓ સંતોષાય તેવી પૂરી શક્યતા હતી. પરંતુ, બરાબર એ જ સમયે આમ આદમી પાર્ટીના ટોળાએ આંદોલન સ્થળે પહોંચીને સમગ્ર માહોલ વેરવિખેર કરવાનું કામ કર્યું છે.
કોંગ્રેસ નેતાએ પૂર્વે લીધેલા નિર્ણયોની યાદ અપાવતા કહ્યું કે અમે આંદોલનની શરૂઆતથી જ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે ભાજપ, કિસાન સંઘ અને આમ આદમી પાર્ટીના લોકોએ અમારા આ આંદોલનથી દૂર રહેવું અને અમારી સાથે જાડાવું નહીં. તમામ લોકો શરૂઆતથી જ સારી રીતે જાણતા હતા કે આ આંદોલનની આગેવાની કરી રહેલા અમે કોંગ્રેસના સભ્યો છીએ. તેમણે ઉમેર્યું કે, આટલી સ્પષ્ટતા હોવા છતાં પણ આપના હોદ્દેદારો અને કિસાન સંઘના કેટલાક ચોક્કસ લોકો માત્ર ને માત્ર વાતાવરણ બગાડવાના બદઇરાદા સાથે જ આંદોલનમાં આવી પહોંચ્યા હતા.
કોંગ્રેસ નેતા લાલજી દેસાઈએ આપની આંદોલન કરવાની શૈલી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, કોંગ્રેસ હંમેશાં શાંતિપૂર્ણ અને કાયદાના દાયરામાં રહીને આંદોલનને આગળ ધપાવવા માંગે છે. અમે ક્યાંરેય એવું નહોતા ઇચ્છતા કે નિર્દોષ ખેડૂતો પોલીસ સાથે કોઈ સંઘર્ષમાં ઉતરે કે કાયદો હાથમાં લે. પરંતુ આપના કાર્યકરોએ હડદલ મચાવી, ઉશ્કેરણીજનક વાતાવરણ ઊભું કર્યું અને તેના કારણે આખરે ખેડૂતોએ પોલીસની લાઠીઓ ખાવી પડી.
સામે પક્ષે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા તેને ‘કપટી’ ગણાવી છે. ખેડૂતોની તાકાતને સલામ કરતા તેમણે કહ્યું કે ઘણા વર્ષો પછી ખેડૂતોનું આટલું મોટું આંદોલન થયું હતું, પરંતુ કોંગ્રેસે ખેડૂતોને અંધારામાં રાખીને તેમની સાથે છેતરપિંડી કરી છે. જાદવાણીએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસે ખેડૂતોને ગાંધીનગર લઈ જવાની વાત કરી હતી, પરંતુ જાણીજાઈને રૂટ ડાયવર્ટ કરીને ખેડૂતોને પોતાની સભામાં લઈ જવાનો પ્રયાસ કર્યો. ખેડૂતો ત્યાં રેલી માટે આવ્યા હતા, કોઈ પક્ષની સભા માટે નહીં, એટલે જ તેઓ વિફર્યા હતા.