રાજકોટમાં ૨૧મી સદીમાં પણ અંધશ્રદ્ધાનો કિસ્સો આવતા ચકચાર મચી ગઈ છે. વિધવા મહિલા પરના અત્યાચારની કંપારી છૂટી જાય તેવી કહાની બહાર આવી છે. પીડિતાએ પોતાના જ સાસરિયાઓ સામે માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવાનો અને બળજબરીપૂર્વક અમાનવીય પ્રથા થોપવાનો આરોપ લગાવ્યો છે. તેણે આ માટે રાજકોટ મહિલા પોલીસ મથકે ન્યાય માટે ગુહાર લગાવી છે.
પતિના અવસાનના ત્રીજા જ દિવસે પત્નીનું મુંડન કરાવ્યું હતું, જે હાલમાં કોઈ કરાવતું નથી. નણંદ અને અને સાસુએ ભેગા થઈ મુંડન કરાવ્યું હતું. પતિ ચંદ્રેશ જાગણીનું અવસાન થયા પછી આ ઘટના બની હતી. સમગ્ર મામલે મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. પતિનું કેન્સર ગ્રસ્ત થતા મોત નીપજ્યુ હતુ. પતિને કેન્સર હોવા છતાં તેની સારવાર બંધ કરાવી દીધી હતી અને ભૂવાના આશરે ગયા હતા, તેના કારણે પતિએ જીવ ગુમાવવાનો દહાડો આવ્યો હતો.
પીડિત મહિલાના પતિ ચંદ્રેશનું ૨૦૨૫માં ૧૧ નવેમ્બરના રોજ કેન્સર જેવી જીવલેણ બીમારીના લીધે અવસાન થયું હતું. પરિવાર હજી આઘાતની બહાર આવ્યો ન હતો ત્યાં સાસુ-નણંદ મળીને ત્રીજા જ દિવસે મુંડનનું દબાણ કર્યુ હતુ. સાસુ અને નણંદના આકરા વલણના લીધે કુરિવાજ છતાં મહિલાનું બળજબરી મુંડન કરાવાયું હતું. આ અમાનવીય ઘટના છ મહિના પહેલા બની હતી, જેનો વિરોધ કરવા છતાં પીડિતાએ કોઈનું સાંભળ્યું ન હતું.
પીડિત મહિલાએ જણાવ્યું હતું કે આ કુરિવાજ પાછળ કોઈ ધાર્મિક પ્રથા નહીં પણ લોભ હતો. સાસરિયાઓ તેના સ્વર્ગસ્થ પતિની માલિકીની કોઈપણ સંપત્તિ કે મિલકત પીડિતાને આપવા માંગતા ન હતા. મિલકત હડપવા અને તેને ઘરમાંથી કાઢી મૂકવા કુરિવાજાનો આશરો લેવાયો હતો.