બગસરા શહેરમાં અવારનવાર દીપડાની હાજરીથી સ્થાનિક રહીશોમાં સતત ભયનો માહોલ જોવા મળે છે. થોડા સમય પહેલાં હૂડકો કોલોનીમાં એક બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો, જેનાથી લોકોમાં પહેલેથી જ ફફડાટ વ્યાપેલો છે. તેવામાં હવે પોલીસ સ્ટેશનની પાછળ અને સાપર રોડ પર આવેલ રૂહાની બાગ કબ્રસ્તાનની દિવાલ પર બેઠેલા દીપડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દીપડાના આ આંટાફેરાને કારણે આસપાસના વિસ્તારમાં વસતા લોકોમાં ભારે ચિંતા અને ડરનો માહોલ ઊભો થયો છે. તંત્ર દ્વારા વહેલી તકે દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી સ્થાનિકો માગણી કરી રહ્યા છે.






































