રાખનાં રમકડાં
આમ વાત થતી હતી ત્યાં તો આંસુ લૂંછતાં લૂંછતાં શાંતુ ઊભી થતાં બોલી:‘હું સાંજનું જમવાનું બનાવવા માટે હવે રસોડામાં જાઉં છું, પેટ છે એટલે ગમે તે… થોડું થોડું ખાવું તો પડશે જ, એમાં કંઈ ચાલે નહીં….’
‘હા, તું જા. તને મન ફાવે તે રસોઈ બનાવજે….’ દામલે કહ્યું.
‘તો સર… હું પણ હવે મારા રૂમમાં ધીમે ધીમે જાઉં, ત્યાં જ આરામ કરીશ….’ મહેશે ઊભાં થતાં માંડ આટલું કહ્યું.
‘હા, તું પણ જા અને ચિંતા કર્યા વગર આરામ કર. જમવાનું તૈયાર થાય એટલે આવી જજે. અરે હા, જો તારે અહીં સુધી ચાલીને આવવું ન હોય તો શાંતુ તને થાળી આપી જશે. ચિંતા ન કરતો….’ દામલે કહ્યું.
‘તો તો ખૂબ સારું, સર! મને ચાલવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે..’ મહેશે કહ્યું.
‘સારું તો, તું ચિંતા ન કર, શાંતુને હું કહીશ એટલે તે તને થાળી આપી જશે….’
હવે મહેશ ધીમે ધીમે ઊભો થયો. એક એક ડગલું માંડ માંડ ભરીને તે તેના રૂમ પર પહોંચ્યો. પહોંચતાની સાથે તો તે પલંગ પર સીધો આડો જ પડી ગયો.
લગભગ કલાક જેવો સમય પસાર થઈ ગયો. શાંતુએ હવે બધી જ રસોઈ તૈયાર કરી લીધી. હવે જમવા બેસવાનું હતું એટલે શાંતુ રસોડાની બહાર નીકળી, દામલ પાસે બેઠક રૂમમાં જઈ પહોંચી અને કહ્યું ઃ ‘હવે આપણે જમી લઈએ….’
દામલ ઊભો થયો, હાથ-મોં ધોઈ તે રસોડા તરફ ચાલ્યો. શાંતુએ થાળી પીરસી તૈયાર કરી એટલે દામલને યાદ આવતા તે તરત બોલ્યો: ‘મહેશની થાળી તૈયાર કરી તેના રૂમમાં આપવી પડશે. બિચારાની હાલત ખૂબ ખરાબ થઈ છે….’
‘આપણે નિરાંતે જમી લઈએ પછી તેની થાળી તૈયાર કરીને હું જ આપવા જઈશ..’ શાંતુએ કહ્યું એટલે દામલ બોલ્યો ઃ ‘સારું….’
શાંતુ અને દામલને ઘણા દિવસ પછી આજે ઘરની રસોઈ ખાવા મળતાં ખૂબ મજા આવી. દામલે પેટભરીને ખાધું. તેને તો મીઠો ઓડકાર પણ આવ્યો. તો શાંતુને પણ આજે ઘરની રસોઈ ખાવા મળતાં પૂરેપૂરો સંતોષ થયો હતો.
જમી લીધા પછી દામલ ઊભો થયો એટલે શાંતુ બોલી: ‘હવે હું મહેશની થાળી કરી તેના રૂમમાં આપી પછી રસોડાનું બાકી કામ પૂરું કરીશ. બધું કામ પૂરું થતાં હું રૂમમાં આવીશ….’
‘હા, તું તારે નિરાંતે આવજે, હું તો હવે બેડરૂમમાં જ આરામ કરીશ….’ દામલે જવાબ આપ્યો ને પછી ચાલતો થયો.
શાંતુ મહેશ માટે હવે ઝડપથી થાળી તૈયાર કરવા લાગી. થાળી તૈયાર થઈ જતાં તે લઈને મહેશના રૂમ તરફ ચાલી. મહેશના રૂમનું ઢાળિયું બારણું ખોલી શાંતુ દાખલ થઈ. ત્યારે મહેશ તો એમ ને એમ પથારીમાં લાંબો થઈને પડ્યો હતો. ભાભીને જોતાં જ તે બેઠો થવા લાગ્યો એટલે તરત જ શાંતુ બોલી: ‘હવે તું એમ જ બેસી રહે, હું આ ટીપોઈ પર થાળી રાખી પલંગ પાસે આવરણ લઈ આવું છું… એમ જ બેઠા બેઠા તું જમી લેજે….’
‘સાચું કહું ભાભી…, તમને જોતાંની સાથે મારું બધું દુઃખ અને મારા શરીરની અડધી પીડા તો તરત જ ગાયબ થઈ જાય છે. જુઓને… પંદર પંદર દિવસ થવા તમને મેં જોયાં જ નથી, મને તો ક્યાંય ગમતું જ નહોતું પણ શું કરું? આજે મારાં ભાગ્ય ઊઘડી ગયાં… તમને જોઈને….’
‘જો મહેશ, તુ તો છોકરું ગણાય. પરંતુ હવે કંઈ હું નાની એવી છોકરી નથી.
તારા દિલમાં મારા પ્રત્યે ભલે ભરપૂર પ્રેમ હોય, અનન્ય લાગણી હોય તેમાં ના નહીં. પરંતુ હવે તો મારે ખૂબ જ સાવધાની રાખી… ચેતીને ચાલવું પડે, સાથે સાથે તારે પણ ખૂબ જ ધ્યાન રાખવાનું છે. તું મારો છે ને હું તારી છું એવું આ ભીંતને પણ ખબર ન પડવી જોઈએ. અરે, હા, એ તો કહે… તારી હાલત આવી થઈ કેમ? કોઈ આડું-અવળું પગલું તો નથી ભર્યું ને…?.’
‘ના ભાભી ના…, તમારા સમ! વળી તમારા સિવાય મને બીજું કોણ સમજી શકે…? મારા જીવનમાં પહેલાં પણ તમે છો અને છેલ્લે પણ તમે જ માત્ર છો. હવે વાત રહી મારી તબિયતની તો એમાં એવું છે કે, આવું મને કેમ થયું તેની તો મને પણ ખબર નથી. બસ…, ઓચિંતા જ આવું થઈ ગયું છે….’
‘એક વાત કહું તને…?.’
‘કહો ને… દિલ ખોલીને કહો….’ ‘આપણે ભેગાં તો ઘણીવાર થયાં છીએ. બે-અઢી મહિના થઈ ગયા. એ તો તને યાદ જ હશે…’






































