રાજુલા સિટી રાજુલા જંકશન રેલવે ટ્રેક પર સિંહ દેખાતા માલગાડીના લોકો પાઇલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી દીધી હતી. કિલોમીટર નંબર ૦૪/૧૬–૧૫ નજીક લોકો પાઇલટ રિકેશ કુમાર ભાટિયા અને વરિષ્ઠ સહાયક લોકો પાઇલટ કૈલાશ કુમાવતે સિંહને જોતા સતર્કતા દાખવી હતી. ઘટનાની જાણ ટ્રેન મેનેજર અને રાજુલા સિટીના ઉપ સ્ટેશન અધિક્ષકને કરાઈ હતી. ત્યારબાદ વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર ભરતભાઈ સ્થળે પહોંચી સિંહને સુરક્ષિત રીતે ટ્રેક પરથી દૂર કર્યો હતો. પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ માલગાડીને ગંતવ્ય તરફ રવાના કરાઈ હતી. નોંધનીય છે કે વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૫૯, ૨૦૨૫-૨૬માં ૧૨૯ અને ચાલુ વર્ષમાં અત્યાર સુધી ૬૫ સિંહોને સંભવિત રેલ અકસ્માતથી બચાવવામાં આવ્યા છે.









































