ઉના તાલુકાના ઉટવાળા ગામની આંગણવાડીમાં નાસ્તો કર્યા બાદ બાળકની તબિયત લથડ્‌યાની ઘટના સામે આવી છે. બાળકની ઉલ્ટીમાંથી જીવતી ઈયળ નીકળ્યાનો માતા-પિતાએ આક્ષેપ કર્યો છે. પરિવારના જણાવ્યા મુજબ, બાળકને આંગણવાડીમાં કેળા અને સીરો આપવામાં આવ્યા હતા. નાસ્તો કર્યા બાદ ઘરે પહોંચતાં તેને ઉલ્ટી થઈ હતી અને તેમાં જીવતી ઈયળ જોવા મળી હતી. ત્યારબાદ બાળકને સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલમાં લઈ જવાયું હતું. પરિવારનો આક્ષેપ છે કે ઘટનાની જાણ કરતાં સંચાલકે ‘આવું તો થયા કરે’ તેવો જવાબ આપ્યો હતો. બીજી તરફ, આંગણવાડીની મુખ્ય સેવિકા તેજલબેન પંચોલીએ જણાવ્યું હતું કે તમામ બાળકોને એકસરખો નાસ્તો અપાયો હતો અને બાળકની તબિયત આંગણવાડીમાં નહીં પરંતુ ઘરે ગયા બાદ બગડી હતી. તેમણે બાળકની હાલત હાલ સારી હોવાનું જણાવ્યું હતું.