સુરત શહેરમાંથી ફરી એકવાર પતિએ પત્નીને ‘કપલ સ્વેપીંગ’ માટે દબાણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. જાકે, પરિણીતાએ આ મામલે પોલીસ સ્ટેશનનો દરવાજા ખખડાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઉત્તરાણ વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષીય પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાઓ સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પીડિતાના આક્ષેપ મુજબ, તેના પતિ દ્વારા અન્ય મહિલાઓ સાથેના સંબંધોને લઈને વિવાદ થતા તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. આ ઉપરાંત પતિ દ્વારા પત્નીની અદલાબદલી એટલે કે ‘વાઇફ સ્વેપિંગ’ ‘કપલ સ્વેપીંગ’ માટે દબાણ કરવામાં આવતું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પીડિતાએ આ બાબતોનો વિરોધ કરતાં તેના પર મારઝૂડ અને માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. દોઢ વર્ષ સુધી આ પરિસ્થિતિ નો સામનો કર્યા બાદ અંતે મહિલાએ કતારગામ પોલીસ મથકનો સંપર્ક કરી પતિ સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, વર્ષ ૨૦૧૭માં ઉત્તરાણ વિસ્તારમાં રહેતા સંદિપ નામના યુવક સાથે મહિલાના લગ્ન થયા હતા. લગ્ન બાદ શરૂઆતના સમયગાળામાં દાંપત્યજીવન સામાન્ય રહ્યું હતું. આ દંપતીને ચાર વર્ષનો પુત્ર પણ છે. જાકે, સમય જતાં પતિના વર્તનમાં બદલાવ આવ્યો હોવાનો મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. પતિના અન્ય મહિલાઓ સાથે સંબંધો હોવાની જાણ થતાં બંને વચ્ચે વારંવાર તકરાર થવા લાગી હતી. પીડિતાના જણાવ્યા મુજબ, કેટલાક વીડિયો પણ તેના ધ્યાનમાં આવ્યા બાદ તેણે પતિના વર્તન અંગે વિરોધ નોંધાવ્યો હતો. ફરિયાદનો સૌથી ગંભીર મુદ્દો એ છે કે પતિ તેને અન્ય દંપતીઓ સાથે પત્નીની અદલાબદલી, એટલે કે વાઇફ સ્વેપિંગ કે કપલ સ્વેપિંગ જેવી પ્રવૃત્તિમાં સામેલ થવા દબાણ કરતો હતો. મહિલાના જણાવ્યા મુજબ તેણે આ માંગણીનો સ્પષ્ટ ઇનકાર કર્યો. ઇનકાર કર્યા પછી પતિનો ગુસ્સો વધતો ગયો અને તેના પર મારઝૂડ તથા માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘરમાં આ મુદ્દે વારંવાર ઝઘડા થતા હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખિત છે. પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ આ વાત સાસુ-સસરા તેમજ દિયર-દેરાણીને કહી હતી. તેને આશા હતી કે પરિવારના વડીલ પતિને સમજાવશે અને તેને સહારો મળશે. પરંતુ ફરિયાદ મુજબ અપેક્ષિત મદદ મળી નહીં. દેરાણીએ પણ તેના પતિનો પક્ષ લઈ લીધો અને કહ્યું કે, આધુનિક સમયમાં આવી પાર્ટી સામાન્ય બાબત છે. પીડિતાએ પતિની માંગણી સ્વીકારવાનો ઇનકાર ચાલુ રાખ્યો હતો. મહિલાના આક્ષેપ મુજબ, તેના આ વિરોધને કારણે પરિવારજનો તરફથી પણ તેના પર માનસિક દબાણ વધતું ગયું હતું. મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં પતિ અને પરિવારના અન્ય સભ્યો દ્વારા તેને વિવિધ રીતે પરેશાન કરવામાં આવી હોવાના આક્ષેપો કર્યા છે. આ સમગ્ર પરિસ્થિતિ દરમિયાન તે પોતાના ચાર વર્ષના પુત્ર સાથે પણ દાંપત્યજીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરતી રહી હતી. ફરિયાદ મુજબ, આખરે પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે મહિલાને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પતિ અને સાસરિયાઓ તરફથી કથિત રીતે સતત ત્રાસ મળતો હોવા છતાં મહિલાએ લાંબા સમય સુધી પરિવાર અને પોતાના પુત્રના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ સહન કરી હતી. જાકે, દોઢ વર્ષ સુધી આ પ્રકારની પરિસ્થિતિ માંથી પસાર થયા બાદ અંતે તેણે કાયદાકીય માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો હતો. મહિલા કતારગામ પોલીસ મથકે પહોંચી હતી અને પોતાની સાથે બનેલી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે પતિ સંદિપ સહિત કુલ પાંચ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.










































