“બ નેવીલાલ! તમારી નજરમાં કોઈ હારુ કમાતો છોકરો હોય તો ધ્યાનમાં રાખજોને. ”
બેરાલાલે પોતાની ચિંતા હળવી કરી. (આજકાલ હંધાય ચિંતાના પોટલાંઓ ઉપાડીને ફરી રહ્યાં છે. એક પોટલું ઉતરે ત્યાં બીજાં બે પોટલાં તૈયાર જ હોય છે.)
બનેવી લાલને નવાઈ લાગી. કાનપુરમાં હડતાળ બેરાલાલને છે, તો પછી મને કેમ ભળતું હળતું હંભળાય છે!! આજે જ્યાં જૂઓ ત્યાં હૌ છોકરાનાં જ ઠેકાણાં ગોતે છે. પપુડાને વરાવવો છે, કોઈ છોકરી હોય તો કેજો ને!! આવી વન વે ટ્રાફિકમાં બેરાલાલ આ શું બોલે છે!?
“બેરાલાલ? આ મેં હાંભળ્યું ઈ …”
“હા, બનેવીલાલ! તમે બરોબર જ હાંભળ્યું છે.
આભાર – નિહારીકા રવિયા મારે મારી છોકરી માટે હારુ કમાતો છોકરો જોઈએ છે.
છોકરી ભણેલી -ગણેલી છે, દેખાવડી છે અને હોંશિયાર પણ છે. એટલે તો જોઈને કરવું પડે ને!!
આજકાલ હારા હારા હગા અંદરખાનેથી નરહા નીકળે છે. હારા હારા કપડાં પહેરીને જાત જાતની ગાડીઓ ફેરવતો છોકરો, તમને જોંતા વેંત જ ગમી જાય. પણ, સરવાળે ઈ ફતન દીવાળીયો નીકળે છે.
બી.પી.એલ. હોય છે. છેતરાયા પછી જિંદગીભર એની ઉપાધી કરવી એનાં કરતાં થોડું મોડું, પણ જોઈને કરવું હારુ. હો ગરણે પાણી ગળીને પીવાનો વખત આવી ગયો છે.”
“બેરાલાલ! તમારી વાત કદાચ હાચી હશે. એમાં ‘ય ના નહીં. પણ, છોકરીનું ઠેકાણું આટ આટલું ગોતવું પડે?
હા, છોકરો હોય તો હજીય ચપ્પલના તળિયાં ઘસાઈ જાય. આંખો ઓડે આવી જાય. જમીન આસમાન એક થઈ જાય. અને છેવટે તમારે ગુજરાતને સિમાડે જાવું પડે. તં..ઈ.. ઠેઠ મેળ પડે.
પણ, છોકરીનું ઠેકાણું આટ- આટલું ગોતવું પડે!?
હવે તો બીજી ત્રીજી છોકરીનું ગોતતાં હશો ને??
કારણકે પાંચ વરહ પે ‘લાં તમે એક છોકરીનું વેવીશાળ ગોતતાં ‘તાં.”
“તમને શું વાત કરું બનેવીલાલ! આ ઈ જ છોકરીનું હજીય હારુ ઠેકાણું ગોતું છું. એનું થાય તો પછી બીજી, ત્રીજીનો નંબર આવે ને!!”
“શું વાત કરો છો બેરાલાલ!!? તો તો તમે ભારે કઠણ. બેરાલાલ! છોકરીની જાતને એનો સમય થાયને એટલે બે ચાર ઠેકાણાં જોઈને ઘરે બારે કરી દેવાય.એનાં ભાગ્ય લઈને ઈ આવી હોય કે નહીં!? તમે જોવાંમાં અને જોવામાં, હારુ નરહું કરવામાં.
હવે એની ઉંમર…!?”
“બનેવીલાલ..!! હંધૂય હમજું છું. પણ, કરું તો કરું હુ ? છોકરીની મા માને તો થાય ને!!? ઈ કહે છે, એક વખત હું છેતરાઈ ગઈ છું, મારે મારી છોકરીને છેતરાવા નથી દેવી.
ઈ હંધૂય જાવા દો બનેવીલાલ. રાત ગઈ બાત ગઈ. હવે નવે નામે દિવાળી કરો. કોઈ કમાતો ધમાતો છોકરો હોય તો કહો. દરજીકામ કરતો હોય તો પેલા કે જો.”
“એટલે હવે તમારે ઠાકીને ભણેલી ગણેલી છોકરીને દરજીકામનાં ગાજ બટન કરવાં પરણાવવી છે?”
“તમે હમજયાં નહીં બનેવીલાલ! ઈ સામાન્ય દરજી પેન્ટ અને બુસકોટ સીવવા વાળો દરજી ન..ઈ.!!”
“તો વળી..બીજો દરજી કેવો હોય?? વડાપ્રધાનનાં સુટ સીવે ઈ દરજી તો ગામડાં હામુ ‘ય નો જોવે.”
“હજી તમે નો હમજ્યાં. હું એ દરજીની વાત નથી કરતો. ઈ વડનગરના રેલ્વે સ્ટેશન ઉપર ચા વેચતાં હતાં ઈ સમય જુદો હતો , અને આજે સમય જુદો છે. પણ, મારે વાત કરવી છે. એક બીજાં દરજીકામ કરતાં ટેઈલરની. એનો ધંધો મોટો છે, બોવ જ મોટો.”
“તમને કોણે કહ્યું કે, એમનો ધંધો બહું જ મોટો છે. અમે તો આવડો મોટો ટેઈલર આજ સુધીમાં જોયો નથી.”
“ઈ જ તો વાત છે. તમે શું, કોઈએ પણ નથી જોયો.”
“તો પછી, તમે કેમ જોયો??”
“મેં ય નથી જોયો! આ તો આપણાં રાતને ‘દિ કામ કરતાં ઈન્કમટેકસ વિભાગે જોઈ લીધો.”
“બેરાલાલ! હજીય કાંઈ હમજયો નથી. કાંઈ હમજાય એવું બોલો.”
આ દરજીને ટેઈલરના ધંધામાં ૯૭૫ કરોડની ઈન્કમટેકસની નોટિસ આવી છે. હવે તમે જ વિચારો. એનો ધંધો કેવડો મોટો હશે!??
આપણને આવો જમાઈ મળી જાય તો ભયો ભયો..!!”
અભણ અમથાલાલની ટ્યુબ લાઈટ તરત જ ઝબકી.
“તમે સુરતના હીરાવાળાની વાત કરો છો? ”
“હા, લગભગ ઈ જ.”
“સુરતનાં મહીધરપુરામા “રજત ડાયમંડ” નામની એક કંપની છે. એણે ટેક્ષ નો ભર્યો.(લગભગ મોટાં ભાગનાં નથી ભરતાં એમ)તો કંપનીના માલિકે દા નો દીધો. એટલે એમનાં ડિરેક્ટરને ઈન્કમટેકસ વિભાગે નોટિસ ફટકારી. ઈ ડિરેક્ટર હતો, અજમેરનો ટેઈલર. ઈ જિંદગીમાં કોઈ ‘દિ સુરત આવ્યો જ નથી. એનાં પાન કાર્ડ અને આધાર કાર્ડનો મીસ યુઝ થયો હશે.(કદાચ)
હવે તમે કહો તો, તમારી છોકરીની વાત ન્યા હલાવું!??”
“ઊભાં રહો, ઊભાં રહો, હું ઘરે પુછતો આવું.”
(ગમે ત્યાં આધારકાર્ડ અને પાનકાર્ડ આપતાં પહેલાં સો વાર વિચારજો)










































