એક હતો નાનકડો પિન્ટુ. એકદમ તમારા જેવો જ! ગોળમટોળ ચહેરો, ચમકતી આંખો અને હંમેશા મસ્તીના મૂડમાં જ હોય!
એક દિવસ તેની મમ્મી બજારમાંથી તેના માટે એક મસ્ત મજાનું નવું દફતર લાવી. લાલ રંગના દફતર પર એક મોટું હસતું સ્માઈલી દોરેલું હતું! પિન્ટુ તો આવું સરસ મજાનું દફતર જોઈને જ ખુશ થઈ ગયો.
રાત પડી. પિન્ટુ સૂવાની તૈયારી કરતો હતો. તેણે એનું નવું-નવું દફતર બાજુમાં ટેબલ પર જ મૂક્યું હતું. અચાનક રૂમમાં એક ઝીણો અને મીઠો અવાજ ગુંજી ઉઠ્‌યો…
‘‘ઓ પિન્ટુ… મારા નાના દોસ્ત, સૂઈ ગયો કે શું?’’
પિન્ટુએ આંખો ખોલીને આમતેમ જોયું. રૂમમાં તો કોઈ નહોતું! ફરી અવાજ આવ્યો, ‘‘અરે! અહીં જો, આ બાજુ, હું તારું દફતર છું!’’
પિન્ટુ તો પથારીમાંથી કૂદકો મારીને ઊભો થઈ ગયો. તેણે નવાઈ પામીને પૂછ્યું, ‘‘હેં? તું… તું બોલી શકે છે?’’
દફતરે હસતાં હસતાં કહ્યું, ‘‘હા દોસ્ત! મારું નામ ‘ભોલુ’ છે. હું એક જાદુઈ બોલતું દફતર છું અને આજથી હું તારો પાક્કો ભાઈબંધ છું. કાલે આપણે સાથે શાળાએ જઈશું, બહુ મજા આવશે!’’
પિન્ટુએ થોડું મોં બગાડીને કહ્યું, ‘‘પણ ભોલુ, મને તો રમવું બહુ જ ગમે છે. શું તું મારી અને મારા મિત્રો સાથે રમીશ ખરો?’’
આ સાંભળીને ભોલુ દફતર ખડખડાટ હસ્યું અને બોલ્યું, ‘‘અરે ઓ મારા ભોળા પિન્ટુ ભાઈબંધ! મને પણ રમવું બહુ જ ગમે છે. આપણે જરૂર રમીશું અને મજા કરીશું! પણ તું જો તો ખરો, હું તારી માટે શું શું લાવ્યો છું? મારી અંદર તો જો, હું તારા માટે કેવા મસ્ત મજાના મિત્રો લઈને આવ્યો છું!’’
પિન્ટુએ દફતરની અંદર જોયું. અંદરથી એક પછી એક મિત્રો બહાર આવવા લાગ્યા. ગોળ-ગોળ ફરતી પેન્સિલ બહાર આવી અને બોલી, ‘‘હું તારી પેન્સિલ પરી છું! આપણે બંને મળીને તારી નોટબુકમાં મસ્ત મજાનાં ફૂલ, ટમટમતા તારા અને પતંગિયાં દોરીશું.’’
નાનકડા રબરે કૂદકો માર્યો અને કહ્યું, ‘‘હું છું રબર રાજા! જો તારાથી ચિત્ર દોરવામાં કંઈ ભૂલ થશે, તો હું ફટાક દઈને ભૂંસી નાખીશ. તારે જરાય ચિંતા કરવાની નહિ!’’
બધા ક્રેયોન રંગોએ સાથે મળીને મીઠું ગીત ગાયું, ‘‘અમે છીએ રંગબેરંગી રંગ, ચિત્રમાં ભરી દઈશું મેઘધનુષના રંગ!’’
ચોપડીએ પોતાનાં પાનાં ફફડાવ્યાં અને વહાલથી બોલી, ‘‘અને હું તને રોજ પરીઓની, જાદુગરની અને પ્રાણીઓની નવી નવી વાર્તાઓ કહીશ!’’
પિન્ટુ તો આ બધા નવા મિત્રોને મળીને એકદમ ખુશખુશાલ થઈ ગયો. તેણે ભોલુ દફતરને વહાલથી ભેટી લીધું અને જલદીથી સૂઈ ગયો.
બીજે દિવસે સવારે તો પિન્ટુ મમ્મી ઉઠાડે તે પહેલાં જ જાગી ગયો! ફટાફટ નાહી-ધોઈને તૈયાર થઈ ગયો અને પોતાના દોસ્ત ‘ભોલુ’ને ખભા પર લટકાવીને હસતો-ગાતો શાળાએ જવા નીકળી પડ્‌યો.
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭