અમરેલી તાલુકાના ફતેપુર ગામમાં ખનીજ માફિયાઓ દ્વારા સરકારી ગૌચર જમીન પર ગેરકાયદે કબજો કરી રેતીના મોટા જથ્થાના સ્ટોક કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામની સરકારી ગૌચર જમીનનો ઉપયોગ રેતીના સંગ્રહ માટે કરવામાં આવતો હોવાના આક્ષેપો વચ્ચે ખનીજ ભરેલા ભારે વાહનોની સતત અવરજવરથી ગામના લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે સમગ્ર મામલે વારંવાર રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.સ્થાનિકોના જણાવ્યા મુજબ, ફતેપુર ગામની અંદાજે પાંચ વીઘા જેટલી સરકારી ગૌચર જમીન પર ગેરકાયદે દબાણ કરી રેતીના મોટા સ્ટોક કરવામાં આવ્યા છે. ગૌચર જમીનનો ઉપયોગ પશુઓના ચરિયાણ માટે થતો હોવા છતાં ત્યાં રેતીનો સંગ્રહ કરવામાં આવતો હોવાના કારણે પશુપાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. કિંમતી સરકારી જમીન પર આ પ્રકારનો કબજો હોવા છતાં જવાબદાર વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવતી ન હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે.બીજી તરફ, ગામની શેરીઓ અને બજાર વિસ્તારમાંથી રેતી ભરેલા ભારે ડમ્પરો બેફામ ઝડપે પસાર થતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ભારે વાહનોની અવરજવરથી રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઊડતી હોવાથી સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને શાળા જતા બાળકો અને શેરીમાં રમતા નાના બાળકોની સુરક્ષાને લઈને વાલીઓમાં ચિંતા વધી છે. બેફામ વાહનચાલનને કારણે કોઈ ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ પણ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.આ સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા સ્થાનિક તંત્ર તેમજ ખનીજ વિભાગને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ટેલિફોન દ્વારા પણ સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી હોવા છતાં ગેરકાયદે રેતીના સ્ટોક અને ભારે વાહનોની અવરજવર સામે અસરકારક કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ છે.ગ્રામજનો હવે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. સરકારી ગૌચર જમીન પર ગેરકાયદે રેતીના સ્ટોક હોવા છતાં કાર્યવાહી કેમ થતી નથી અને બેફામ ડમ્પરો સામે રોક લગાવવામાં કેમ આવતી નથી તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. જો આગામી દિવસોમાં ગેરકાયદે સ્ટોક દૂર કરવામાં નહીં આવે અને ભારે વાહનોની અવરજવર પર નિયંત્રણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે.









































