(ગતાંક થી આગળ)
જે..કે. પલંગ પર બેઠો. પેલી સફેદ-બ્લ્યૂ કલરનું આછું રેશમીજે ગાઉન પહેરીને આવી. જે.કે. માટે લૂંગી અને ટી-શર્ટ લાવી.
‘આ કપડાં ?’
‘હું પાંચ-સાત જોડી રાખું છું. અલબત્ત, આ ધોયેલાં છે અને સ્વચ્છ છે તમે પહેરી લો. ભીંજાયા છો. તબિયત બગડશે, સાચું કહું છું.’
‘લો, તમને આદુવાળી ચા બનાવી દઉં. એ વધારે ફાવે છે ને ?’
કાજલે કોઈ દિવસ આવું કહ્યું નથી. જે.કે. વિચારી રહ્યો અને આ સ્ત્રીની લાગણી ? પણ ના, જે.કે. ચેત્યો. આ સાલી પહેલાં મીઠું મીઠું બોલીને અને પછી ફસાવશે. હું ભાગી નીકળું છું. હું અહીં ક્યાં ફસાઈ ગયો ? વિચારતો જ જે.કે.ઊભો થઈને બહાર નીકળવા ગયો કે પેલી સાણસી લઈને પાછળના રૂમમાંથી સોંસરી આડી પડી.
‘તમે ફસાયા નથી. હું તમને ફસાવીશ નહીં. તમે ચિંતા નહીં કરતા. તમે ધારો છો એવી સ્ત્રી હું નથી.’
જે.કે. પાછો ફરી ગયો. બેસી પડયો. પેલી સ્ત્રી ચા લાવી. એક જ કિટલીમાંથી બે કપ ભર્યા. હસીને ટહુકી, ‘તમને શંકા ન આવે કે ચામાં કશુંય નાખી તો નહીં દીધું હોય ને? એટલે હું ય ચા પીઉં છું.’
જે.કે. એ ઘૂંટ ભર્યો. ચા મસ્ત હતી. એ આખો કપ ગટગટાવી ગયો. ‘મજા આવીને?’ પેલીએ કપ-રકાબી એકઠાં કર્યાં. ‘હવે તમારે નાહવું હોય તો નાહી લો અને હું ગરમ નાસ્તો બનાવું.’
‘કશું નહીં. હું તમને હેરાન કરી રહ્યો છું.’
‘ડોન્ટ વરી. આપણે પછી કૈંક હળવું લઈએ અથવા તો પછી કૈંક…’ ‘નો મૅડમ. ચા પીધી. મજા આવી ગઈ. હવે થાક લાગ્યો છે માટે…’
‘એ વ્યવસ્થા કરી આપું છું… ચાલો.’ અને એ ઊભી થઈ. અંદરના રૂમમાં આવતા રહો.’
જે.કે. ને લાગ્યું કે આખું બ્રહ્માંડ ઘૂમે છે કે પછી મારા ઉપરથી મારો જ કંટ્રોલ જતો રહ્યો છે ! કેમ કે, એ અવશપણે પાછળ દોરવાઈ રહ્યો. બીજો એક રૂમ હતો. એક રજવાડી પલંગ, ડેકોરેટેડ દીવાલો. મનમોહક હિરોઈનોના પોઝ… સુંદર વોલપીસ. પરફ્યુમની સુગંધથી મહેકતો રૂમ… ફ્‌લાવર પોટ… રેશમી રજાઈ… મખમલી ઓછાડ. રેશમી તકિયા… મણ એક રૂની પોચી પથારી… એણે બે જ મિનિટમાં બધું ઝાપટી આપ્યું. જે.કે. તેની ઉપર લાંબો થયો. અચાનક આંખો ઘેરાવા લાગી અને તે સૂઈ ગયો. કેટલું ઊંધ્યો એને ખબર ન રહી પણ કપાળે ફરી રહેલા કોઈના હાથના સ્પર્શથી તે અચાનક જાગી ગયો.
‘ઓહ… હું કેટલું સૂતો ! કેટલા વાગ્યા?’ એ અડધો ઊભો થઈ ગયો. ‘પ્લીઝ, સૂઈ રહો…’ તેણે જ ઓઢાડેલી ચાદર સરખી કરતા તે ટહુકી. તેના વાળ ધોયેલા હતા અને તે ઉરપ્રદેશની આસપાસ ફેલાયેલા હતા. તેના પુષ્ટ ઉરનો ઉભાર રેશમી ગાઉનની બહાર ધસી આવતો હતો. તેણે હસીને કહ્યું, ‘કેટલા વાગ્યા, તેની કશી ચિંતા કરતા નહીં. માથું ગરમ થઈ ગયું હતું. સહેજ તાવ જેવું પણ છે. હું વિક્સ લગાવી રહી હતી. ચાલો, સૂઈ જાવ.’ અને તેના મીઠા સ્પર્શે શરીરમાં ઝણઝણાટી પ્રસરી ગઈ.
આવું જ સુખ અજાણ્યું પણ મનગમતું એક વાર માણવા મળેલું. મોટી પુત્રી સુનયનાના જન્મ વખતે પોતાની સાળી પાયલ, કાજલની ડિલિવરી વખતે આવેલી… ! અને પછી તો રહેતાં રહેતાં પાયલ સાથે ફાવી ગયું. હળવા વાતાવરણ વચ્ચે તે પાયલના ગુલાબી ગાલ ખેંચતો. તેની માંસલ પીઠ પર ધબ્બો મારતો. વાળની ચોટી ખેંચતો. કાને ચૂંટી ખણતો. એવી જ એક સાંજે, પાયલને આશ્લેષમાં લઈ લીધી. પાયલે હળવેથી તેનો આશ્લેષ છોડાવીને કહ્યું, ‘મને ખબર છે જયકુમાર કે તમે મને ચાહો છો અને હું પણ તમને ચાહું છું પણ વચ્ચે મારી દીદી દીવાલ બની ઊભી છે એ ખબર છે ?’
‘તો શું થયું? આપણે એકબીજાની પ્યાસને છીપાવી ન શકીએ ?’ અને એક દિવસ એવી જ રાત્રિએ પાયલ, જે.કે.ના ઝૂલ્ફામાં હાથ ફેરવતી હતી અને જે.કે.એ બેઠા થઈને પાયલને બાહુપાશમાં બાંધી દીધી. પાયલ હસી પડી અને એ ક્ષણે પાયલ જે.કે.નું કપાળ ચૂમવા ઝૂકી કે ત્યાં જ કાજલ આવી ચડી. પાયલે એ જ ક્ષણે મુખવટો બદલ્યો. ‘આ શું કરો છો જયકુમાર ? માથું દબાવવાના બહાને મારી ઉપર બળજબરી કરવા માંડયા? ઓહ શીટ… શરમ આવવી જોઈએ તમને ?’ અને અત્યારે એ ઘટના યાદ આવતાં જ જે.કે. બબડી ઉઠ્‌યો. ‘સાલ્લી બધી જ સ્ત્રીઓ નફ્‌ફટ, સ્વાર્થી, લુચ્ચી, ઢોંગી અને બેશર્મ હોય છે. જ્યારે કામ પડે ત્યારે પૂંછડી પટપટાવતી આવે.’
‘અરે…’ પેલી સ્ત્રીએ સ્મિત કરીને તેને કહ્યું, ‘આમાં મારો કોઈ સ્વાર્થ નથી હોં કે…’ જે.કે. વર્તમાનમાં ખેંચાઈ આવ્યોઃ ‘શું કહ્યું?’
‘બસ એ જ, તમારા પ્રશ્નનો જવાબ.’ પેલી હસી.
પાયલના બનાવ પછી જે.કે. ગંભીર બની ગયો પરંતુ એ દરમિયાન ઘરે કામ કરવા આવતી પાર્વતીને એકવાર જે.કે. એ અડપલું કરી લીધું. પાર્વતી ખિજાઈ. પછી તો એવો ફજેતો થયો ને કે, ઘરમાં આગ લાગી ગઈ એ અત્યાર સુધી બુઝાઈ નથી !!
‘પ્રાબ્લેમ શું થયો હતો?’ અચાનક પેલી સ્ત્રીએ પૂછ્યું અને જે.કે. ભીતરથી ખેંચાઈ આવ્યોઃ ‘અરે, આ તો જાદુગરણી લાગે છે!’
જે.કે. મૌન થઈ ગયો. પેલીએ તેની આંખમાં કશુંક વાંચી લીધું અને સ્મિત કરી રહી. ‘તમને પૂછું છું. અહીં બીજું કોઈ નથી.’ તેણે ફરીવાર પૂછ્યું. જવાબમાં જે.કે. છોભીલો પડી ગયોઃ ‘ખાસ… ખાસ… કશું નહીં બસ એમ જ… એને કાંઈ મારી પડી જ નથી. છોકરાવની માથાકૂટ, પડોશીનો કકળાટ, અને સગાવહાલાની કૂથલી..!. અડધી કલાકેય મારી પાસે નિરાંતે બેસવાનો ટાઈમ નથી. આ આદમીની જાત… ક્યારેક પ્રેમ-બ્રેમ તો માગે ને ? પણ બૈરી જ એવી નસીબે ભટકાણી હોય ત્યાં મારા જેવો આખરે કરે શું? આપઘાત જ ને !’
‘હા, એ ખરું પણ…’ પેલીએ શર્ટનાં બટન ખોલતાં કહ્યું, ‘દરેક નિમિત્તને એક મુહૂર્ત હોય છે. દરેક સંબંધનું એક અંજળ હોય છે. દરેક ક્ષણનો એક ઈતિહાસ હોય છે. તમે મુહૂર્ત, અંજળ કે ઇતિહાસને તોડવા મંરોડવા ચાહતા હો તો… પછી એ શક્ય કઈ રીતે બને? મુહૂર્ત, અંજળ અને ઇતિહાસ ત્યારે જ લખાય છે જ્યારે તેનો કોઈ શુભ સમય આવે છે. પણ તમે સમયની રાહ ન જોઈ શકતા હો…’ પેલી સ્ત્રી મંદ મંદ સ્મિત કરી રહી.
હાથ જે રીતે ફરતા હતા તેનાથી ગુદગુદી થઈ રહી હતી. લાગણીઓનો સ્પર્શ જે.કે.ના ભીતરને હવે ઉલેચતો હતો. પેલીએ વિક્સ લીધું છાતી ઉપર હળવી ભીંસ સાથે ઘસ્યું અને અચાનક જે. કે. નો હાથ તેની પીઠ ઉપર જઈ ચડયો. જે.કે.ની હથેળીની ભીંસથી તે હસી. જે.કે. બેઠો થઈ ગયો. હવે તે પાછી હટી ગઈ. જે.કે. વિવશ થઈ ગયો. ‘હું તમનેપ’ અને તેણે પેલી સ્ત્રીને ખેંચી. ‘રહેવા દો…’ પેલીએ તેના હાથના બંધને છોડાવ્યો. ‘હું તમને ગ્રાહક સમજીને નથી લાવી પણ તમારું તૂટતું ઘર બચાવવા માટે મેં આજની કમાણી ખોઈ છે. નહીંતર આજે ત્રણ બાળકો નોંધારાં થઈ જાત.’ અને તેણે હાથ છોડાવી નાખ્યો. ‘તમને મૂળ પ્રાબ્લેમ શું હતો, એ હું જાણી શકી છું. પણ તમને જે વહાલની જરૂર હતી એ મેં આપ્યું છે. જે વસ્તુ જોઈએ છે તે પત્ની આપશે. પણ હવે તું ઘરને તોડવાની અને જાતને છોડવાની કોશિશ નહીં કરતો. તું છૂટી જઈશ પણ બાળકો ? જયારે જીવનમાં કશુંક ખૂટતું લાગે ત્યારે તું મારી પાસે બેધડક ચાલ્યો આવજે. જયલુ…..’
અને જે.કે. ચમક્યોઃ ‘તો તું? આઈમીન… મેઘા? તું અને રૂપજીવિની? ઓહ નો…’
હા, મેં કરમ બદલ્યું છે જયલુ ! કાળજું નથી બદલ્યું…’!!!