જે.કે. આગળ ચાલતાં ચાલતાં અટકી ગયો. સૂમસામ રેલવે સ્ટેશન, એક-બે કૂલી, પેસેન્જરોની પાંખી હાજરી, દૂર એક ઝાંખો પાંખો બળતો સ્ટેશન માસ્ટરની રૂમનો લૅમ્પ, આ તરફ વૃધ્ધ ભિખારીઓ અને ભિખારણોનો ખાંસવાનો અવાજ !
નાનકડું એવું છેવાડાનું સ્ટેશન. હવે હમણાં જ સાડાચારે ‘મધ્યપ્રદેશ ઍક્સપ્રેસ’ ઊપડશે ની ધારણાથી સ્ટેશનના સામેના છેડેના પ્લૅટફાર્મ ઉપર સૂતેલો અને હમણાં જ જાગી ગયેલો ‘ટી-સ્ટોલ’નો માલિક નંદુરામ ! પરંતુ આ બધા વચ્ચે, આવી મેઘલી રાતના ત્રીજા પ્રહરે આ બાંકડા પર બેઠેલી એકાકી સ્ત્રી !
જે.કે.ને નવાઈ લાગી. એને ક્યાંય બહારગામ જવું હશે કે પછી અમસ્તી જ બેઠી હશે? સરસામાન તો, આમ કશો લાગતો નથી. એક વિચારનું વાવાઝોડું તેના માનસપટ પર ફુંકાઈ ગયું જાણે! એ આગળ ચાલ્યો પરફ્યુમ્સની આછી ગંધ તેના શ્વાસોશ્વાસમાં ભરાઈ આવી. હવે તે આગળ વધ્યો. તે સ્ત્રીની પીઠ જે.કે. તરફ હતી. તેણે બંગાળી ઢબે સાડી ઓઢી હતી. સાડીનો પલ્લું એક બાજુ ઢળી ગયો હતો.
અચાનક છાંટા પડવા લાગ્યા. જે.કે.એ આકાશ તરફ નજર કરી. ગોરંભો બરાબરનો જામ્યો હતો. વરસાદ ખાંગો થાય એટલી વાર હતી. અષાઢીલો મેઘ ! જે.કે. કવિ દિલ હતો. વરસાદની મોસમ તેને ખૂબ ગમતી હતી, એવી જ પત્ની !
પણ એવી પત્ની ક્યાં પોતાના નસીબમાં હતી? હતી તો ‘કાલિકા કાજલ’ !! કાજલની યાદ આવતાં જ તેને થયું કે સાલ્લુ ! તેનામાં પતિવ્રતા જેવી કોઈ ચીજ જ નથી. પોતે આખો દિવસનો રઝળપાટ કરતો કરતો બે રૂપિયા કમાઈને ઘેર આવે છે. અપેક્ષા છે કે પત્ની હમણાં જ પાણીનો ગ્લાસ લઈને આવશે, ચા બનાવી લાવશે. પ્રેમની વાતો કરશે. રાત પડશે પણ ઉફક્‌ ! સગાઈ પછી સેવેલા યૌવન સહજ શમણાં હવામાં જ ઓગળી ગયા.
આ પણ કોઈની પત્ની લાગે છે. જે.કે. એ બે ડગલાં ભર્યા. પેલીનો ચહેરો તો સ્પષ્ટ દેખાતો નહોતો પણ સાઈડ ફેઈસ ઉપરથી લાગ્યું કે છે તો નમણી ! એના ડોકનો વળાંક પણ સુંદર લાગે છે.
વરસાદ ધોધમાર તૂટી પડ્‌યો. જે.કે. આગળ આવ્યો. વરસાદથી ભીંજાય તો હવે પોતાના નરમ દિલને શરદી થઈ જાય છે. પંદર દિવસથી ઉધરસ થઈ ગઈ છે પણ ઉફફ ! કાજલે કદીય સૂંઠ-આદુંવાળી ચા કે હળદરવાળું દૂધ બનાવી દીધું નથી અને હવે ?
આ છેલ્લી રાત છે. જિંદગીની ! કાલ છાપામાં આવશે. ‘વહેલી સવારે ઉપડતી એમ.પી. ઍક્સપ્રેસ નીચે ઝંપલાવીને એક યુવાનનો આપઘાત.’
કાલેજકાળમાં મેઘાને તે બહુ ગમતો. પોતાના બર્થ-ડે ઉપર મેઘાએ એક કાર્ડ મોકલેલું. પ્રેમ-બ્રેમ શું છે એવી તો ખબર જ ક્યાં પડતી હતી! પણ મેઘાએ મોકલાવેલા ઇઝહાર પછી લાગ્યું કે સાલુ ! જિંદગી જીવવા જેવી ચીજ છે પણ… પછી તો ન આવી હાથમાં મેઘા કે ન આવી રેખા! કાજલની કાળાશ હસ્તરેખામાં ચિતરાઈ ગઈ.
જે.કે. બૅન્ચ પર આવીને બેઠો. સિગારેટ રેલવેસ્ટેશન જેમ ચૂપચાપ સળગી રહી. પેલી સ્ત્રીએ એક તરફના સાઈડ ફેસને રૂમાલ વડે ઢાંકીને આ તરફ જોયું. જે.કે. ચમકી ગયો. પેલી સ્ત્રી હસીને બોલી, ‘ગાડીમાં જવું છે ?’
‘ના… ના… હું તો બસ અમસ્તો જ…’ જે.કે. તતપપ થઈ ગયો. ‘કે પછી ભાગી છૂટવું છે પત્નીના ત્રાસથી?’ પેલી બોલી અને જે.કે.ના દેહમાં ધરતીકંપ આવી ગયો. ઓહ નો… આ કોણ ? તે મનમાં જ બોલ્યો. કે પેલીએ કહ્યું, ‘ભાગી ભાગીને ક્યાં જશો ? બધેય આ જ પીંજણ છે. લખચોરાસીના ફેરા ફર્યે રાખો.’
‘શું કરું ?’ જે.કે.ના દિલના દરવાજા અનાયાસે કડેડાટ કરતાં ખૂલી ગયા. પણ શું કરું ? કેમ કે હવે તો ત્રાસી ગયો છું. કેવાં કેવાં સપનાં સેવ્યાં હતાં, પણ બધું જ ખતમ !
‘પણ તમારે જીવવાનું છે. તમારા સંતાનોના ખાતર. એમની અપેક્ષા જીવન, લાગણી, પ્યાર અને જીવન ખાતર…’
‘પણ હવે તો મને એમ થાય છે કે…’ જે.કે. આગળ બોલે એ પહેલાં તે આવી. જે.કે.એ તેનો ચહેરો જોયો. સુંદર હતો. લવ એટ ફર્સ્ટ સાઇટ જેવું થયું. ઝાંખા પ્રકાશમાં કૈંક અંશે પરિચિત લાગ્યો.
‘આ સિગારેટ ફેંકી દો. તમારી તબિયત માટે હાનિકારક છે. તમારે શરદીનો કોઠો છે.’
‘ઓહ માય ગોડ…’ જે.કે. ને થયું આ સ્ત્રી જાદુગર લાગે છે… અને મને તો જાણતી પણ લાગે છે. પણ પેલીએ સિગારેટ ફેંકાવી દીધી.
‘ચાલો…’ પેલીએ કહ્યું.
‘પણ ક્યાં ?’
‘મારા ઘરે.’
‘પણ ત્યાં શું છે!’ જે.કે. ઊભો થયો. ત્યાં જ પેલીએ હાથ પકડયો. જે.કે.ના દેહમાં મીઠી કંપારી છૂટી ગઈ અને અવશપણે પેલીની પાછળ ઘસડાયો. અડધી કલાક જેવું ચાલ્યા અને એક શેરીમાંથી તેઓ ફંટાયા. છેવાડે એક જૂનું ઘર આવ્યું. પેલીએ દરવાજો ખોલ્યો…
પણ અંદર પગ મૂકતાં જ જે.કે. પાછો હટી ગયો.
‘અરે, અંદર આવો. આવો, મુંઝાવ નહીં.’
‘નહીં… નહીં… રહેવા દો. હું નહીં આવી શકું.’
‘અરે આવો ને યાર…” પેલીએ હાથ પકડીને જે.કે. ને ખેંચ્યો. જે.કે. હાથ છોડાવતા ધ્રુજતા અવાજે બોલ્યો, ‘પ્લીઝ, છોડી દો. હું ગ્રાહક નથી.’
‘ઓહ… તો તમને ખબર પડી ગઈ ?’
‘હા, અને હું
મારું નામ બદનામ થાય એવું ઇચ્છતો નથી. સમાજમાં મારું નામ છે.’
‘હા…” પેલી હસી. ‘તમારું નામ છે જ એની ક્યાં હું ના પાડું છું ? અને તમને બદનામ કરવાની મારી ઇચ્છાય નથી. આ તો તમે રેલવેસ્ટેશનમાં જે ઉદ્દેશથી આવ્યા હતા એ ઉદ્દેશ તમારા હલનચલનથી, તમારા વાણી-વિચાર-વર્તનથી, તમારી બોડી લેંગ્વેજથી અને તમારા હાવભાવથી છતો થઈ જતો હતો, કે તમે હવે શું કરવા જઈ રહ્યા છો ??’
‘ઓહ નો…’ જે.કે. આંચકો ખાઈ ગયો.
‘અને એટલે જ મેં તમને ત્યાંથી ખસેડયા પણ, અહીં જેવા તમે ધારો છો તેવો કોઈ ઉદ્દેશ સાથે લાવી નથી. તમે બેસો. ડરો નહીં અને મુંઝાવ પણ નહીં. તમારા દિલને શાંતિ થઈ જાય. તમારા બળબળતા કાળજાને ઠંડક મળે એવા મારા પ્રયાસો હશે.’
જે..કે. પલંગ પર બેઠો. પેલી સફેદ-બ્લ્યૂ કલરનું આછું રેશમીજે ગાઉન પહેરીને આવી. જે.કે. માટે લૂંગી અને ટી-શર્ટ લાવી.
(વધુ આવતા અંકે)