દાતરડી ગામે પાંચ પીપળુ પાસે નેશનલ હાઈવે પર રિક્ષા પરત આપવાનું કહેતાં રૂ. ૫૦ હજાર ચૂકવવાનું કહી ગાળો આપી જાનથી મારવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ અંગે રજાકભાઈ રહીમભાઈ સુમરા (ઉં.વ.૫૨)એ ફડલેકર મેમણ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, ફરિયાદીએ આરોપી પાસેથી રૂ. ૩૦,૦૦૦ લીધા હતા, જેના બદલામાં તેમણે આરોપીને વાપરવા માટે રિક્ષા આપી હતી. ફરિયાદી તથા તેમના મિત્ર રફીકભાઈ બંને મોટરસાયકલ લઈને દાતરડી ગામે પાંચ પીપળુ પાસે હાઈવે રોડ પર આવેલા ટી.સી. પેટ્રોલ પંપ પાસે ગયા હતા.એવામાં આરોપી ફડલેકર મેમણ રિક્ષા લઈને ત્યાં આવ્યો હતો. ફરિયાદીએ તેને રૂ. ૩૦,૦૦૦ પરત આપી પોતાની રિક્ષા પાછી માગતાં આરોપીએ રૂ. ૫૦,૦૦૦ ચૂકવવાનું કહ્યું હતું. ફરિયાદીએ રૂ. ૫૦,૦૦૦ ચૂકવવાની ના પાડતાં આરોપીએ તેમની સાથે બોલાચાલી કરી, ગાળો આપી બાજુમાં પડેલા વાંસના ધોકા વડે ફટકાર્યા હતા. તેમજ જમણા ગાલે બચકુ ભરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી. જે. ધાખડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.