રાજુલા તાલુકાના હડમતીયા ગામના ખેડૂતોએ જેટકો કંપની દ્વારા કરવામાં આવતી ૨૨૦ કે.વી. વીજ લાઈનની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ રાજુલાના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વળતરની સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી કામગીરી બંધ રાખવાની માંગ કરી છે.જેટકો કંપની દ્વારા હડમતીયા ગામમાંથી પસાર થતી ૨૨૦ કે.વી. વીજ લાઈનનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી માટે સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે. જોકે, ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની સંમતિ લીધા વિના અને પૂરતી જાણકારી આપ્યા વગર કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.ખેડૂતોએ ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના નવા ઠરાવ મુજબ જમીન, પાક તથા વૃક્ષોને થતા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, વળતરની નીતિ અંગે સ્પષ્ટતા કર્યા બાદ જ કામગીરી આગળ વધારવી જોઈએ. આથી, વળતર અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે અને ખેડૂતોને ન્યાય મળે ત્યાં સુધી વીજ લાઈનની કામગીરી અટકાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.








































