અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રાજેન્દ્ર પાર્ક બ્રિજ પર અપહરણ કરીને લૂંટ ચલાવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાપુનગરની એન. આર. આંગડિયા પેઢીના બે કર્મચારીઓ પાસેથી લૂંટારૂઓએ રૂ. ૩૪ લાખની લૂંટ ચલાવી હતી. કર્મચારીઓ વસ્ત્રાલની કર્ણાવતી કો-ઓપરેટિવ બેંકમાંથી રૂપિયા ઉપાડીને બાપુનગર તરફ જઈ રહ્યા હતા, ત્યારે રાજેન્દ્ર પાર્ક બ્રિજ પર બ્લુ કલરની સ્વિફ્ટ કારમાં આવેલા શખ્સોએ તેમનું વાહન અટકાવ્યું હતું. ત્યારબાદ પોતે જીએસટી અધિકારી હોવાની ઓળખ આપીને બંને કર્મચારીઓને ધમકાવવામાં આવ્યા હતા. લૂંટારૂઓએ બંનેના મોબાઇલ ફોન લઈ તેમને બળજબરીથી કારમાં બેસાડ્યા હતા અને ત્યારબાદ રૂ. ૩૪ લાખની લૂંટ ચલાવી હતી. મળતી માહિતી મુજબ, આંગડિયા પેઢીના કર્મચારી કેતન પરીખ અને જીશાન શેખ વસ્ત્રાલની કર્ણાવતી બેંકમાંથી રૂ. ૩૪ લાખ ઉપાડીને મોપેડ પર બાપુનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન રાજેન્દ્ર પાર્ક બ્રિજ પરથી પસાર થતાં બ્લુ કલરની સ્વિફ્ટ કારે તેમનો રસ્તો રોક્યો હતો. કારમાંથી એક શખ્સ બેઝબોલનો ડંડો લઈને નીચે ઉતર્યો હતો અને બંને કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી ધમકાવ્યા હતા. આરોપીએ પોતે ગાંધીનગરનો જીએસટી અધિકારી હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ બંને કર્મચારીઓના મોબાઇલ ફોન લઈ તેમને બળજબરીથી કારમાં બેસાડી દેવામાં આવ્યા હતા. આરોપીઓએ કર્મચારીઓ પાસેથી મોપેડમાં રહેલા રૂ. ૨૧ લાખ અને અન્ય રૂ. ૧૩ લાખ મળી કુલ રૂ. ૩૪ લાખ લૂંટી લીધા હતા. લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓ કાર લઈને ગાંધીનગર તરફ ગયા હતા અને ધોળાકુવા સર્કલ નજીકના બ્રિજ પાસે બંને કર્મચારીઓને નીચે ઉતારી દીધા હતા. ત્યારબાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. દિવસ દરમિયાન આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી આટલી મોટી રકમની લૂંટ થતાં પોલીસ તંત્ર દોડતું થયું છે. ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસે અપહરણ અને લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આંગડિયા પેઢીના કર્મચારીઓ બેંકમાંથી મોટી રકમ ઉપાડીને નીકળ્યા હોવાની જાણ આરોપીઓને અગાઉથી હતી કે કેમ, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. લૂંટમાં કોઈ જાણભેદુની સંડોવણી હોવાની પોલીસને આશંકા છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની વિવિધ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોનાં સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.