બગસરામાં આવેલી ર્નસિંગ કોલેજને જર્જરીત બિલ્ડીંગના કારણે રાજકોટ ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, સ્થાનિક ધારાસભ્ય જે.વી. કાકડીયાએ આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ સમક્ષ રજૂઆત કરતા હવે આ કોલેજને બગસરામાંથી અન્યત્ર નહીં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે.આ અંગે ધારાસભ્ય જે.વી. કાકડીયાએ જણાવ્યું હતું કે, તેમણે ગઈકાલે જ આરોગ્ય મંત્રી પ્રફુલભાઈને આ વિસ્તારના લોકોની લાગણી અને ર્નસિંગ કોલેજ બગસરામાં જ ચાલુ રહે તે અંગે રજૂઆત કરી હતી. છેલ્લા ૧૭ વર્ષથી બગસરામાં ર્નસિંગ કોલેજ કાર્યરત છે. કોલેજનું બિલ્ડીંગ જર્જરીત હોવાના કારણે આચાર્યની રજૂઆત બાદ કોલેજને રાજકોટ ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.જોકે, વિસ્તારના વિદ્યાર્થીઓ અને લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રીએ બગસરાની ર્નસિંગ કોલેજ અન્યત્ર ન ખસેડવા માટે જરૂરી સૂચનાઓ આપી દીધી છે. આજે આરડીડી દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ હાલની જર્જરીત બિલ્ડીંગમાંથી કોલેજને બાજુમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ, હાલના જર્જરીત બિલ્ડીંગના સ્થાને નવા કોલેજ બિલ્ડીંગ અને હોસ્ટેલ બિલ્ડીંગના નિર્માણકાર્યને પણ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કામ ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે. કોલેજ બગસરામાં જ ચાલુ રહેવાના નિર્ણયથી વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે.