સુરત શહેરમાં નિર્માણાધીન બિલ્ડીંગમા ગંભીર બેદરકારીના આક્ષેપો વચ્ચે બે માસૂમ બાળકોનાં ડૂબી જવાથી મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. બિલ્ડીંગમા લિફ્ટ બનાવવા માટે રાખવામાં આવેલા ખાડામાં પાણી ભરાયેલું હતું. માતા-પિતા મજૂરી કામ કરી રહ્યા હતા તે દરમિયાન રમતાં-રમતાં બંને બાળકો આ ખાડામાં ખાબક્્યાં હતાં. આ દુર્ઘટનાને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે, જ્યારે બાંધકામ સ્થળે સુરક્ષાની વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. મળતી માહિતી પ્રમાણે ભેસ્તાન વિસ્તારમાં ભગવતી ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં પ્લોટ નંબર ૪૧ થી ૪૩માં બાંધકામ ચાલુ હતું. જ્યાં સાંજે ૬ઃ૩૦ વાગ્યે પાણીથી તરબોળ લિફ્ટના ખાડામાં પડતા બંને બાળકોનાં મોત થયા છે. મૃતક બાળકોનાં નામ અલ્કેશ કટારા અને બાળકી રીટા કટારા છે.
મળતી વિગતો મુજબ, નિર્માણાધીન બિલ્ડીંગ લિફ્ટ માટે બનાવવામાં આવેલા ખાડામાં અંદાજે ૫થી ૭ ફૂટ જેટલું પાણી ભરાયેલું હતું. આટલા ઊંડા પાણી ભરાયેલા ખાડા પાસે કોઈ બેરિકેડિંગ કે અન્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિણામે, રમતાં-રમતાં ત્યાં પહોંચેલા બંને બાળકો પાણીમાં ખાબકયા હતાં અને ડૂબી જવાથી તેમનાં મોત નીપજ્યાં હતાં. બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે સવાલો આ ઘટનાને પગલે સામાજિક આગેવાનોએ બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. બાંધકામ સ્થળે જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ વિના કામકાજ કરવામાં આવતું હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નિર્માણાધીન સ્થળે ખુલ્લા અને પાણીથી ભરેલા ખાડા આસપાસ સુરક્ષા વ્યવસ્થા રાખવી જરૂરી હોવા છતાં આવી બેદરકારી કેમ દાખવવામાં આવી, તે અંગે જવાબદારી નક્કી કરવાની માગ ઊઠી છે.
બે માસૂમ બાળકોનાં મોતથી શોકમાં ગરકાવ થયેલા પરિવારે યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી બાળકોના મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. પરિવારની માગને પગલે મામલો વધુ ગંભીર બન્યો છે. પરિવારને ન્યાય મળે અને દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.
બાંધકામ સ્થળોની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી સવાલ આ કરુણ ઘટનાએ નિર્માણાધીન બિલ્ડીંગમા કામદારો અને તેમનાં બાળકોની સુરક્ષાને લઈને ફરી એકવાર ચિંતા ઊભી કરી છે. બાંધકામ સ્થળે પાણી ભરાયેલા ખાડાઓને સુરક્ષિત રાખવા, બેરિકેડિંગ કરવા અને અકસ્માત નિવારણનાં પગલાં લેવા કેટલા જરૂરી છે તે આ ઘટનાએ ઉજાગર કર્યું છે. હવે આ મામલે જવાબદારી કોની છે, પરિવારને યોગ્ય વળતર ક્યારે મળશે અને જવાબદાર બિલ્ડર તથા કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી થશે તે જાવું રહ્યું.