દશેરાને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. નિયમો તોડનાર વેપારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે.
નવરાત્રિ અને દશેરાના તહેવારો દરમિયાન શહેરમાં ફાફડા, જલેબી સહિતના વિવિધ ફરસાણ અને મીઠાઈઓની માંગમાં વધારો થતો હોય છે ત્યારે નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા વેપારીઓને ખાદ્ય સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે. તહેવારો દરમિયાન વધુ વેચાણ મેળવવાની લાલચમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સાથે બાંધછોડ ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા ખાસ સૂચના આપવામાં આવી છે.
એએમસીના ફૂડ સેફ્ટી વિભાગે જાહેર કરેલી સૂચનામાં જણાવ્યું છે કે, ફરસાણ અને જલેબી બનાવતા તથા વેચતા તમામ ખાદ્ય વ્યવસાયિકોએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્‌સ એક્ટ, ૨૦૦૬ અને તેના હેઠળના લાગુ નિયમોનું પાલન કરવું જરૂરી છે. ખાદ્ય પદાર્થોના ઉત્પાદનથી લઈને સંગ્રહ, પરિવહન અને વેચાણ સુધી સ્વચ્છતા તથા ગુણવત્તાના ધોરણો જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.ફરસાણ અને જલેબી બનાવવા માટે યોગ્ય ગુણવત્તાવાળા કાચા માલનો જ ઉપયોગ કરવા વેપારીઓને જણાવાયું છે. ખાસ કરીને જલેબી બનાવવા માટે વપરાતા લોટ અને અન્ય સામગ્રીની ગુણવત્તા જાળવવી જરૂરી છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવી, હલકી ગુણવત્તાવાળો કાચો માલ વાપરવો અથવા ગ્રાહકોને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ખોટી માહિતી આપવી નહીં.
સૂચના મુજબ, ખાદ્ય પદાર્થોમાં વપરાતા રંગો અને અન્ય ઘટકો પણ લાગુ નિયમો અનુસાર જ હોવા જાઈએ. નિયમોનું ઉલ્લંઘન જણાશે તો સંબંધિત એકમ સામે કાયદાકીય જાગવાઈઓ મુજબ કાર્યવાહી થઈ શકે છે.ફરસાણ અને જલેબી તળવા માટે યોગ્ય ગુણવત્તાવાળા ખાદ્ય તેલ અથવા ઘીનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. એક જ તેલને વારંવાર ગરમ કરીને તેનો ઉપયોગ કરવાનું ટાળવા સૂચના અપાઈ છે. ખાસ કરીને વારંવાર તળવાથી તેલની ગુણવત્તામાં ઘટાડો થતો હોય છે.
એએમસીએ જણાવ્યું છે કે, તળવાના તેલમાં ટોટલ પોલર કમ્પાઉન્ડ્‌સનું પ્રમાણ ૨૫ ટકાથી વધુ હોય તો તેલનો ઉપયોગ કરવો નહીં. શુદ્ધ ઘીનો ઉપયોગ કરવાના દાવા કરવામાં આવતા હોય તો તે દાવો સાચો અને પુરાવા આધારિત હોવો જાઈએ. ગ્રાહકોને ખાદ્ય પદાર્થોમાં વપરાતા તેલ અને ઘી અંગે સાચી માહિતી આપવી પણ જરૂરી છે.
ફરસાણ અને જલેબી બનાવવાની જગ્યા, રસોડું, વાસણો, મશીનરી અને આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા સૂચના આપવામાં આવી છે. ખાદ્ય પદાર્થો બનાવતા કારીગરો અને કર્મચારીઓએ વ્યક્તિગ્ત સ્વચ્છતા જાળવવી, સ્વચ્છ કપડાં પહેરવાં અને ખોરાકને સીધા હાથથી સ્પર્શ કરવાનું ટાળવું જાઈએ.ખાદ્ય પદાર્થોને ધૂળ, માખી, મચ્છર અને અન્ય જીવજંતુઓથી બચાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે. ખાદ્ય સામગ્રીને સ્વચ્છ રીતે તૈયાર કરીને ઢાંકીને રાખવી તથા દૂષિત પાણીના સંપર્કથી દૂર રાખવી જાઈએ.ફાફડા, જલેબી, ચટણી, કઢી, પકોડાં અને અન્ય ખાદ્ય સામગ્રી તૈયાર કરતી વખતે સ્વચ્છતા જાળવવા તેમજ યોગ્ય તાપમાને સંગ્રહ કરવા જણાવાયું છે. વાસી, બગડેલા, દુર્ગંધયુક્ત અથવા દૂષિત ખાદ્ય પદાર્થોનું વેચાણ ન કરવા પણ સૂચના આપવામાં આવી છે. તમામ ખાદ્ય વ્યવસાયિકોએ પોતાના વ્યવસાયની કેટેગરી મુજબ માન્ય એફએસએસએઆઇ લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન મેળવેલું હોવું જાઈએ. લાઇસન્સ કે રજિસ્ટ્રેશન સંબંધિત વિગતો નિયમો મુજબ દર્શાવવી અને તેનું પાલન કરવું જરૂરી છે.