ભુજના બેરડો એકલ રણમાં પધ્ધર પોલીસનો જુગારધામ પર દરોડો પાડ્યો હતો. અંધારામાં અંદાજે ૭ કિ.મી. પગપાળા ચાલી પોલીસે રેડ કરી હતી અને જુગાર રમતા ૧૧ આરોપીઓને ઝડપી
પાડ્યાં હતા. પોલીસે કુલ રૂ. ૭.૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં રોકડા રૂ. ૧.૯૦ લાખ સહિત ૧૦ મોબાઈલ ફોન પણ સામેલ છે. તે ઉપરાંત ૫ ટુ-વ્હીલર-ફોર-વ્હીલર વાહનો પણ પોલીસે જપ્ત કર્યા હતા. જુગારની રેડ દરમિયાન ૮ આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર થયા હતા.
ભુજ તાલુકાના નાના વરનોરાના સુલેમાન ઈબ્રાહિમ મમણ અને ભુજના બોલાડી ગામના ઈબ્રાહિમ કરીમ મંધરિયાએ પાર્ટનરશીપમાં જુગાર ક્લબ શરૂ કરી હોવાની પોલીસને બાતમી હતી. બેઉ જણ બહારથી જુગારીઓને રમવા માટે બોલાવી, જુગાર રમવાની સગવડો પૂરી પાડી પૈસા ઉઘરાવતા હતા. નિર્જન રણ વિસ્તાર હોઈ પોલીસના વાહનોની હેડલાઈટ્‌સ જાઈ ખેલીઓ નાસી છૂટવાની પૂરી સંભાવના હતી. જેથી પધ્ધર પોલીસની રેઈડીંગ પાર્ટીએ વાહનો મૂકીને પગપાળા જવાનું નક્કી કર્યું હતું. અંદાજે ૭ કિલોમીટર સુધી અંધારામાં પગપાળા ચાલ્યાં બાદ મધરાતે બે વાગ્યે પોલીસની નજર રણમાં ઊભેલી એક બોલેરો પિકઅપ પર પડી હતી. ગોળ કુંડાળે બેસીને ખેલીઓ એલઈડી લાઈટના અજવાળે પાસા ફેંકી જુગાર રમતાં હતા પોલીસ નજીક પહોંચતાં બધા ખેલીઓએ નાસી છૂટવા દોટ મૂકેલી.પોલીસની રેડ પડતાં જુગારીઓમાં ખળભળાટ મચ્યો હતો. પોલીસે ૧૧ આરોપીઓની ધરપકડ કરી હતી તો ૮ ફરાર થયા હતા.