ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના પંચાયત તંત્રમાં મોટી ફેરબદલ કરવામાં આવી છે. એટલે કે આજે ગાંધીનગર સચિવાલય ખાતેથી ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર ગુજરાત વિકાસ સેવા વર્ગ- ૨ સંવર્ગના ૬ તાલુકા વિકાસ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરીને નવી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવી છે.
પરિપત્ર મુજબ પાટણ જિલ્લાના સિદ્ધપુરના તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા વિજયસિંહ પરમારની સુરત જિલ્લાના માંગરોળ ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. સુરત જિલ્લાના માંગરોળ ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે કાર્યરત હરદિપસિંહ ઘરીયાની જાહેર હિતાર્થે પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરાઈ છે.
સુરત જિલ્લાના ઉમરપાડાના તાલુકા વિકાસ અધિકારી ડા. પી. એસ. આસોડીયાની જાહેર હિતાર્થે ડાંગ જિલ્લાના આહવા ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. ખેડા જિલ્લાના મહેમદાવાદના તાલુકા વિકાસ અધિકારી પંકજકુમાર મહિડાની જાહેર હિતાર્થે ગાંધીનગર ખાતે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડમાં મદદનીશ વહીવટી અધિકારી તરીકે પ્રતિનિયુક્ત (ડેપ્યુટેશન) પર મૂકવામાં આવ્યા છે. જ્યારે અમરેલી જિલ્લાના બગસરાના તાલુકા વિકાસ અધિકારી ભાવનાબેન વાલેરાની સ્વવિનંતીથી રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે ચૂંટણી કમ તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરાઈ છે.
વડોદરા જિલ્લાના શિનોરના તાલુકા વિકાસ અધિકારી મહેશ વિરાણીની પણ સ્વવિનંતીના ધોરણે વલસાડ જિલ્લા પંચાયત કચેરી ખાતે ચૂંટણી કમ તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જાકે વિભાગે સ્પષ્ટ કર્યું છે કે બદલી પામેલા અધિકારીઓને તેમના સંબંધિત નિયંત્રણ અધિકારીઓએ તાત્કાલિક કાર્યમુક્ત કરી નવી નિમણૂકની જગ્યાએ હાજર થવા માટેની કાર્યવાહી કરવાની રહેશે. આ અંગેનો આદેશ ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઉપસચિવ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.