અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભુવાજી તરીકે કામ કરતા દીપકભાઈ પરમાર સાથે બનેલી ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. દીપકભાઈ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અને ભુવાજીપણ હતા. તેઓ વસંતીબેનના ઘરે ધાર્મિક વિધિ કરવા ગયા હતા. ત્યારબાદ તેમની સામે વસંતીબેનની પુત્રવધૂ સાથે પ્રેમસંબંધ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
આ મામલે સમાધાન કરાવવા માટે એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે દીપકભાઈને સતત હેરાન કરવામાં આવતા હતા. આ હેરાનગતિથી કંટાળીને તેમણે ભાડેશ્વર મંદિર નજીક પોતાના શરીર પર કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. એરપોર્ટ પોલીસે ભુવાજીના આપઘાત કેસમાં ગુનો નોંધી બે મહિલાની ધરપકડ કરી છે..
ભુવાજી દીપકભાઈના મોત બાદ તેમની પત્ની દક્ષાબેને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં છ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓને શોધવા માટે તપાસ હાથ ધરી છે.બીજી તરફ, દીપક પરમારે આપઘાત પહેલાં બનાવેલા હોવાનું કહેવાતા વીડિયોમાં ગંભીર આક્ષેપો કર્યા છે.
વીડિયોમાં તેમણે ૨૦ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવતી હોવાનો અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવતી હોવાનો દાવો કર્યો છે. સાથે જ પોતાની દીકરીને લઈને ધમકી આપવામાં આવી હોવાનો અને પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી મળતી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. વીડિયોમાં તેમણે કેટલાક લોકોનાં નામ લઈને પોતાની સાથે થયેલી કથિત હેરાનગતિ અંગે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
હાલ આ વીડિયોમાં
કરવામાં આવેલા આક્ષેપો અને ફરિયાદમાં દર્શાવેલી વિગતોની પોલીસ તપાસ કરી રહી છે. દીપકભાઈના આપઘાત પાછળનું સમગ્ર કારણ, ખંડણીની માંગણી થઈ હતી કે કેમ અને વીડિયોમાં કરાયેલા આક્ષેપોને લઈને પણ તપાસ શરૂ કરી છે.હાલમાં એરપોર્ટ પોલીસે બે મહિલાની ધરપકડ બાદ અન્ય ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.











































