અમરેલીના મોટા માચીયાળા ગામે આગામી તારીખ ૧૦મી મે, રવિવારના રોજ પ્લોટ વિસ્તારમાં નવનિર્મિત મંદિરે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના આરાધ્ય ધર્મગુરૂ સંત વેલનાથબાપુની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ મંગલમય પ્રસંગે મહાયજ્ઞ, શોભાયાત્રા, સંતોના સામૈયા, મહાઆરતી અને મહાપ્રસાદ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. રાત્રિના સમયે ભવ્ય સંતવાણીનું આયોજન છે, જેમાં ખ્યાતનામ કલાકારો તમનાબેન ઠાકોર અને બટુકભાઈ ઠાકોર સહિત અન્ય નામી-અનામી કલાકારો ભજનની રમઝટ બોલાવશે. આ ઉત્સવમાં સાધુ-સંતો, રાજકીય અગ્રણીઓ અને વિવિધ મંડળો ઉપસ્થિત રહેશે. વેલનાથ યુવક મંડળ અને સમસ્ત ગ્રામજનો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને તમામ ધર્મપ્રેમી જનતાને આ પાવન પ્રસંગે પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.