સાવરકુંડલા પંથકમાં હાલ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી કાળઝાળ ગરમીની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર કરી રહ્યો છે, ત્યારે શહેરના નવા બસ સ્ટેન્ડ પાસે છેલ્લા ૫ વર્ષથી કાર્યરત ‘ઉષાબેન દિનેશભાઈ શાહ વરિયાળી શરબત કેન્દ્ર’ લોકો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. દિનેશચંદ્ર બાલચંદ દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સેવાકીય યજ્ઞમાં દરરોજ ૪૫૦૦થી વધુ નાગરિકો વરિયાળી અને લીંબુના શરબતથી પોતાની તરસ છિપાવી રહ્યા છે. આયુર્વેદિક દ્રષ્ટિએ વરિયાળી, લીંબુ, સાકર અને ફુદીનો ગુણમાં અત્યંત ઠંડા હોવાથી તે શરીરને લૂ અને ડિહાઈડ્રેશનથી બચાવવામાં અત્યંત મદદરૂપ બને છે. ટ્રસ્ટના પ્રમુખ મિલનભાઇ દોશી, નિયામક પરાગભાઈ ત્રિવેદી તથા સ્વયંસેવકો દ્વારા આ કેન્દ્રનું સુચારૂ સંચાલન કરવામાં આવે છે.