ગુજરાતમાં ઉનાળાનો મિજાજ હવે આકરો બની રહ્યો છે. અમદાવાદના વેધર બુલેટિન અનુસાર, રાજ્યના અનેક ભાગોમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચો જ છે. તો આગામી કેટલાક દિવસો સુધી કાળઝાળ ગરમી અને હીટ વેવ ફરી વળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં હજુ પણ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. અમદાવાદમાં ગત રોજ મહત્તમ તાપમાન ૪૩.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન ૨૮ ડિગ્રીની આસપાસ રહ્યું હતું. પવનની દિશામાં ફેરફાર અને સૂકા પવનોને કારણે ગરમીનો અનુભવ વધુ આકરો બની રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં ‘હીટ વેવ’ની સ્થિતિ પ્રવર્તશે. આ સમયગાળા દરમિયાન તાપમાન ૪૪ ડિગ્રી કે તેથી વધુ પહોંચવાની સંભાવના છે. બપોરના સમયે ગરમીનું પ્રમાણ સૌથી વધુ રહેતું હોવાથી નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. ભેજનું પ્રમાણ વધતા બફારાનો અનુભવ થઈ શકે છે. હાલમાં વરસાદની કોઈ શક્યતા નથી, જેને કારણે સૂકી ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.
હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, આજે ૧૧મી મેના રોજથી હીટવેવ એલર્ટ વધારે જિલ્લાઓમાં જાવા મળશે. સોમવારે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, સુરતમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે. જ્યારે ૧૧મી મેના રોજ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, સુરતમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે.
હવામાન વિભાગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, ૧૨મી મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે. ૧૩મી તારીખે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. ૧૩મી તારીખે કચ્છ, બનાસકાંઠા, પાટણ, દેવભૂમિ દ્વારકામાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ આપ્યું છે. ૧૪મી તારીખે ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં અને કચ્છમાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ૧૫મી તારીખે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું નથી.