ખેડા જિલ્લાના ચકલાસી નગરપાલિકામાં ભાજપના સત્તાધારી સભ્યો વચ્ચેનો આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવ્યો છે. વરસાદી પાણીના સંચય માટે બનાવવામાં આવનાર રિચાર્જ બોરના સ્થળોને લઈને પાલિકા પ્રમુખ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
માહિતી મુજબ, નગરપાલિકાની બોર્ડ બેઠકમાં સર્વસંમતિથી પાંચ અલગ અલગ સ્થળોએ રિચાર્જ બોર બનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જાકે, કારોબારી સમિતિના ચેરમેન સુરેશ વાઘેલાનો આરોપ છે કે પાલિકા પ્રમુખે પોતાની રીતે ઠરાવમાં ફેરફાર કરીને સ્થળો બદલી નાખ્યા.
સુરેશ વાઘેલાએ દાવો કર્યો છે કે મૂળ ઠરાવને બદલી ‘નકલી ઠરાવ’ તૈયાર કરવામાં આવ્યો અને તેમાં નવા સ્થળો ઉમેરવામાં આવ્યા. આ મામલે તેમણે પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત પણ કરી છે. કારોબારી ચેરમેનના આક્ષેપ મુજબ, ચીફ ઓફિસરે આ મામલાને “ઘર ઘરનો પ્રશ્ન” ગણાવી તેને ગંભીરતાથી ન લીધો અને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો.
આ સમગ્ર વિવાદ સામે આવતા ચકલાસી નગરપાલિકામાં રાજકીય ગરમાવો વધી ગયો છે. હવે સ્થાનિક સ્તરે સવાલ ઉઠી રહ્યા છે કે બોર્ડમાં લેવાયેલા નિર્ણયોનું પાલન થાય છે કે પછી સત્તાનો મનમાનો ઉપયોગ થઈ રહ્યો છે.હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને પાલિકાના આંતરિક રાજકારણને લઈને પણ અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.