વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. પાદરાથી કરજણ તરફ જતા માર્ગ પર દોડતી કારમાં અચાનક આગ ફાટી નીકળતાં અંદર બેઠેલા એક વ્યક્તિનું જીવતું ભડથું થઈ જવાથી મોત થયું હતું.
ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી કે પછી ટેક્નિકલ ખામીના કારણે આગ ભભૂકી હતી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
ઘટનાની જાણ થતાં જ વાસણા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં કારમાંથી મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
હાલ પોલીસે મૃતકની ઓળખ મેળવવાની કામગીરી શરૂ કરી છે. સાથે સાથે અકસ્માતનું સાચું કારણ જાણવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ દુર્ઘટનાએ ફરી એકવાર હાઇવે પર સલામતી અને વાહનોની ટેક્નિકલ ચકાસણી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.









































