બનાસકાંઠા જિલ્લાના દાંતા પોલીસ સ્ટેશન પાસે આજે એક અત્યંત ભયાનક અકસ્માત સર્જાયો હતો. આબુરોડથી અમદાવાદ જઈ રહેલી સ્કોર્પિયો ગાડીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. સ્કોર્પિયો રોડ સાઈડની ચાની કીટલીમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત થયું છે અને ૭થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ અકસ્માત એટલો જારદાર હતો કે ચાની કીટલી અને સ્કોર્પિયો ગાડી બંનેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સ્કોર્પિયોની ઝડપ એટલી વધારે હતી કે દુકાનદાર ગાડીની અડફેટે આવતા હવામાં ફંગોળાઈને સીધો બાજુના ખેતરમાં જઈને પડ્યો હતો.
અકસ્માતને પગલે આસપાસના લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જાનહાનિ અને ઈજાગ્રસ્તોની વિગતઆ કરુણ દુર્ઘટનામાં સ્કોર્પિયોમાં સવાર પાંચ વ્યક્તિઓ પૈકી એકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય મુસાફરો અને ચાની કીટલી પર હાજર લોકો મળી કુલ ૭થી વધુ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા જ દાંતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને અકસ્માત કયા સંજાગોમાં સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ભયાનક દ્રશ્યો જાઈને સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.










































