બનાસકાંઠાના પાલનપુરમાં હનીટ્રેપનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના એક આધેડ કોન્ટ્રાક્ટરને મહિલા દ્વારા જાળમાં ફસાવી લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરી બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મહિલા સહિત કુલ ચાર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
માહિતી મુજબ, આરોપીઓએ કોન્ટ્રાક્ટરને દવા આપવાના બહાને એક ઓફિસમાં બોલાવ્યો હતો. ત્યાં મહિલાએ અશ્લીલ વર્તન કરી કોન્ટ્રાક્ટરને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. બાદમાં વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીઓએ કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.
પીડિત કોન્ટ્રાક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ અગાઉથી જ કાવતરું ઘડીને પૈસા પડાવવાની યોજના બનાવી હતી. હાલ પોલીસે બે આરોપીઓને ઝડપી વધુ પૂછપરછ શરૂ કરી છે અને બાકીના આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ ઘટનાએ પાલનપુર સહિત સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે. લોકોમાં પણ હનીટ્રેપ જેવી ઘટનાઓને લઈ ચિંતા વધી રહી છે. પોલીસે લોકોને અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવા અને કોઈ પણ શંકાસ્પદ પરિસ્થિતિમાં તરત પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.










































