રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા લખતર શહેરી વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે, લખતરની સુથાર શેરી વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં રેડ કરી ઇંગ્લીશ દારૂનો અને બીયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઇંગ્લીશ દારૂની ૭૧૬૩ બોટલો અને બીયરના ૧૦૮૦ ટીન ઝડપાઈ આવ્યા છે જેની કિંમત રૂ.૨૯.૭૫ લાખ રૂપિયા છે અને બાઈક કિંમત રૂ૭૦ હજાર છે. ઈંગ્લીશ દારૂનો જથ્થો સંગ્રહ તેમજ મદદગારી કરનાર સહિત ૦૫ શખ્સો સામે લખતર પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
તો રેન્જ આઈજીની ટીમે આ રેડ કરી હોવાની વાત સામે આવી છે અને રેડ દરમિયાન કોઈ મળી આવ્યું નથી અને ૫ શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, આ દારૂ કોણે મંગાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, તો બંધ મકાનમાંથી દારૂ મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે. લખતર પોલીસના નાક નીચે દારૂનો વેપલો બુટલેગર કરી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે લખતર પોલીસ સ્ટેશનના સ્ટાફને આ વાતની જાણ નથી! રેન્જ આઈજીની ટીમે રેડ કરી અને લખતર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
લીંબડી પીએસઆઈ વી.એમ.કોડીયાતર સહિતની ટીમને શીયાણીથી લીંબડી તરફ એક ઈનોવા કારમાં દારૂ આવનાર હોવાની બાતમી મળી હતી. આથી ટીમ લીંબડીથી શીયાણી તરફ જતા ઘાઘરેટીયા પાસે વળાંકમાં ઈનોવા કાર અકસ્માતગ્રસ્ત નજરે પડી હતી. જેમાં તપાસ કરતા દારૂ-બીયર મળી આવ્યા હતા. પોલીસે દારૂની ૧૩૨૦ બોટલ, બીયરના ૮૪ ટીન અને કાર મળી રૂપીયા ૧૦,૧૧,૪૮૮નો મુદ્દામાલ કબજે કરી લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.









































