ખરાબ હવામાન અને સતત વરસાદને કારણે છ દિવસથી સ્થગિત કરાયેલી માતા વૈષ્ણો દેવી અને અમરનાથ યાત્રાઓ શનિવારે ફરી શરૂ થઈ. હવામાનમાં સુધારો થયા બાદ, વહીવટીતંત્ર અને સંબંધિત શ્રાઈન બોર્ડે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી અને યાત્રાળુઓને યાત્રા કરવાની મંજૂરી આપી.
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં માતા વૈષ્ણોદેવી મંદિરની યાત્રા શનિવારે પરંપરાગત રૂટથી ફરી શરૂ થઈ. જાકે, સતત વરસાદને કારણે, ભૂસ્ખલન અને ખડકો પડવાના જાખમને કારણે નવો રૂટ બંધ છે.
શ્રાઈન બોર્ડે સંવેદનશીલ અને ભૂસ્ખલન-સંભવિત વિસ્તારોમાં વધારાના સુરક્ષા કર્મચારીઓ તૈનાત કર્યા છે. હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાવચેતીના પગલા તરીકે હેલિકોપ્ટર અને બેટરી કાર સેવાઓ સ્થગિત રાખવામાં આવી છે.
ઘણા શ્રદ્ધાળુઓ છેલ્લા ઘણા દિવસોથી કટરા બેઝ કેમ્પ પર યાત્રા ફરી શરૂ થાય તેની રાહ જાઈ રહ્યા છે. પંજાબના ભક્ત સુરંજન કુમારે જણાવ્યું હતું કે તેઓ યાત્રા ફરી શરૂ થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા હતા અને હવે માતા રાણીના આશીર્વાદ મેળવવા માટે આગળ વધવા માટે ઉત્સાહિત છે.
હરિયાણાના રહેવાસી શિવ કુમારે જણાવ્યું હતું કે તેઓ ૧૯ જુલાઈના રોજ તેમના પરિવાર સાથે કટરા પહોંચ્યા હતા, પરંતુ ભારે વરસાદને કારણે યાત્રા રોકી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે યાત્રા ફરી શરૂ થવાથી નવી આશા અને ઉત્સાહ આવ્યો છે.
અમરનાથ યાત્રા શનિવારે બંને રૂટ, પહેલગામ અને બાલતાલથી ફરી શરૂ થઈ. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવામાનમાં સુધારો થયા પછી અને જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફરીથી ખુલ્યા પછી યાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી.
ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે ૧૯ જુલાઈના રોજ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. સુરક્ષા કારણોસર પહેલગામ રૂટ (૪૮ કિલોમીટર) અને બાલતાલ રૂટ (૧૪ કિલોમીટર) પર યાત્રાળુઓની અવરજવર પ્રતિબંધિત કરવામાં આવી હતી. શનિવારે સવારે હળવા વરસાદ વચ્ચે બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પથી સેંકડો યાત્રાળુઓ પવિત્ર ગુફા માટે રવાના થયા.
૧,૪૭૦ મહિલાઓ, ૨૫ બાળકો અને ૫૪ સાધુઓ સહિત ૬,૨૬૯ યાત્રાળુઓનો ૧૮મો સમૂહ અમરનાથ યાત્રા માટે જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી રવાના થયો. આ સમૂહ ૨૨૩ વાહનોના કાફલામાં કડક સુરક્ષા વચ્ચે સવારે ૨ઃ૪૦ વાગ્યે રવાના થયો. અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે પહેલગામ રૂટ માટે જમ્મુથી કોઈ કાફલો રવાના થયો નથી.
અત્યાર સુધી, અમરનાથ યાત્રા દરમિયાન પવિત્ર ગુફા મંદિરમાં લગભગ ચાર લાખ યાત્રાળુઓએ બાબા બરફાનીના દર્શન કર્યા છે, જ્યારે અંદાજે ૧.૨૦ લાખ યાત્રાળુઓએ જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી તેમની યાત્રા શરૂ કરી છે.
પ્રશાસને યાત્રાળુઓને હવામાન સલાહનું પાલન કરવા, સુરક્ષા કર્મચારીઓ સાથે સહયોગ કરવા અને યાત્રા વિશે અપડેટ રહેવા અપીલ કરી છે. અમરનાથ યાત્રા ૨૮ ઓગસ્ટ, રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે.