ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના વસ્તી ગામમાં તંત્રની ઘોર ઉપેક્ષાના કારણે ગ્રામજનો માટે મૃત્યુ પછીની આખરી ક્રિયા પણ મુશ્કેલ બની ગઈ છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે કોરિડોરના નિર્માણ સમયે જૂનું સ્મશાન તોડી પાડવામાં આવ્યા બાદ છેલ્લા ૫ વર્ષથી નવું સ્મશાન ન બનતા ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થિતિ એટલી વણસી છે કે ચોમાસામાં ખાડા-કોતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ચોમાસા દરમિયાન અંતિમ સંસ્કાર કરવા માટે ગ્રામજનોને કોરિડોર હાઇવેના બ્રિજ નીચે જવાની નોબત આવી છે.
મળતી વિગતો અનુસાર, વસ્તી ગામમાંથી પસાર થતા કોરિડોર રોડના કામકાજ દરમિયાન સ્થાનિક સ્મશાન ઘાટ તોડી પાડવામાં આવ્યો હતો. આ વાતને અંદાજે પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં, તંત્ર કે કોરિડોર ઓથોરિટી દ્વારા અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે નવું સ્મશાન બનાવવામાં આવ્યું નથી. છેલ્લા ૪ વર્ષથી ગ્રામજનો સ્મશાન ઘાટ પુનઃનિર્માણ માટે સ્થાનિક તંત્રથી લઈને હાઇવે ઓથોરિટી સુધી અસંખ્ય રજૂઆતો કરી ચૂક્્યા છે, પરંતુ તેમની માગણી પર ધ્યાન આપવામાં આવ્યું નથી.
ચોમાસાની ઋતુમાં ગામના ખાડા-કોતરો પાણીથી ભરાઈ જતાં મૃતદેહની અંતિમવિધિ ક્્યાં કરવી તે ગામ લોકો માટે એક વિકટ પ્રશ્ન બની જાય છે. વરસાદી માહોલમાં ખુલ્લામાં કે કોતરોમાં સગડી સળગાવવી અશક્્ય બનતા, ગ્રામજનોએ અંતિમ સંસ્કાર માટે હાઇવેના બ્રિજ નીચે આશરો લેવો પડે છે. સ્થાનિક સરપંચ અને કોરિડોર તંત્રની નિÂષ્ક્રયતા સામે ગામના લોકોમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે.
સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે, “અમારું સ્મશાન ૪ વર્ષથી તોડી નાખ્યું છે અને હજુ સુધી નવું બનાવ્યું નથી. અમારી માટે કોઈ સુવિધા નથી, અમારે આખરી વિધિ કરવી તો ક્યાં કરવી? સરપંચ કે કોરિડોર વાળા કોઈ સાંભળતા નથી. જા આપણી માગણી વહેલી તકે નહીં સંતોષાય તો અમે કોરિડોર રોડ પર જ અંતિમવિધિ કરીશું અને એકપણ વાહન પસાર થવા નહીં દઈએ.”
કલ્પેશ ભાભોર નામના સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે, “જ્યારથી આ કોરિડોર રોડ બન્યો છે ત્યારથી અમે મોટી મુશ્કેલી ભોગવી રહ્યા છીએ. ચોમાસા દરમિયાન કોતરોમાં પાણી ભરાઈ જાય છે, જેથી અંતિમ સંસ્કાર કરવામાં ભારે હેરાનગતિ થાય છે.” ગામ લોકોએ તાત્કાલિક ધોરણે નવો સ્મશાન ઘાટ મંજૂર કરી તેનું નિર્માણ કામ શરૂ કરવાની માગ કરી છે, અન્યથા આગામી દિવસોમાં હાઇવે ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ નોંધાવવાની ચીમકી પણ આપી છે.