‘હોમિયોપેથી માત્ર રોગની નહીં, પરંતુ સમગ્ર વ્યક્તિની સારવાર કરતી વિજ્ઞાન આધારિત ચિકિત્સા પધ્ધતિ છે. માઇગ્રેન માત્ર સામાન્ય માથાનો દુખાવો નથી. તે ઘણી વખત વ્યક્તિની માનસિક, ભાવનાત્મક અને શારીરિક સ્થિતિ સાથે ગાઢ રીતે જોડાયેલો હોય છે. કેટલાક દર્દીઓમાં વર્ષો સુધી દબાયેલી લાગણીઓ, સતત માનસિક તણાવ અને જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓ માઇગ્રેનને પ્રેરિત કરી શકે છે.
હોમિયોપેથીમાં દર્દીના માત્ર માથાના દુખાવાની સારવાર કરવામાં આવતી નથી, પરંતુ તેની લાગણીઓ, સ્વભાવ, જીવનશૈલી અને સમગ્ર વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરીને વ્યક્તિગત દવાની પસંદગી કરવામાં આવે છે. તેથી એક જ પ્રકારના માઇગ્રેન ધરાવતા બે દર્દીઓને પણ અલગ-અલગ દવા આપવામાં આવી શકે છે.
માઇગ્રેનને પ્રેરિત કરતા કેટલાક સામાન્ય પરિબળોઃ
• પારિવારિક અથવા દાંપત્ય જીવનમાં મતભેદ અને સામાજિક સંબંધોમાં તણાવ.
• ઊંડો શોક, અપમાન, વિશ્વાસઘાત અથવા અન્ય ભાવનાત્મક આઘાત.
• મનની લાગણીઓ, ગુસ્સો અથવા દુઃખ સતત દબાવી રાખવાની વૃત્તિ.
• સતત ચિંતા, કામનું વધુ દબાણ, જવાબદારીઓનો બોજ અને માનસિક થાક.
હોમિયોપેથીમાં ઉપયોગમાં લેવાતી કેટલીક મહત્વપૂર્ણ દવાઓ
Ignatia Amara: અચાનક લાગેલા આઘાત, ઊંડા શોક, પ્રેમમાં નિષ્ફળતા અથવા દબાયેલી લાગણીઓ પછી થતો માઇગ્રેન.
Natrum Muriaticum: જૂના દુઃખને મનમાં રાખનાર, વિશ્વાસઘાત અથવા ભાવનાત્મક ઘા ભૂલી ન શકનાર વ્યક્તિઓમાં થતો માઇગ્રેન.
Staphysagria: અપમાન, અન્યાય અથવા દબાવેલા ગુસ્સા પછી શરૂ થતો માઇગ્રેન.
Nux Vomica: વધુ પડતો કામનો બોજ, ઊંઘનો અભાવ, ઓફિસનો તણાવ અને ચિડચિડાપણું ધરાવતા લોકોમાં થતો માઇગ્રેન.
Kali Phosphroicum: લાંબા સમય સુધી માનસિક મહેનત, નર્વસ થાક અને કામના દબાણ પછી થતો માથાનો દુખાવો.
Sepia: ખાસ કરીને મહિલાઓમાં હોર્મોનલ ફેરફાર, પારિવારિક જવાબદારીઓના બોજ અને દબાયેલી લાગણીઓ સાથે જોવા મળતો માઇગ્રેન.
મહત્વપૂર્ણ સૂચનાઃ ઉપર દર્શાવેલ હોમિયોપેથીક દવાઓની પસંદગી દરેક દર્દીના વ્યક્તિગત લક્ષણો અને પ્રકૃતિ અનુસાર કરવામાં આવે છે. તેથી આ દવાઓનો ઉપયોગ હંમેશા લાયકાત પ્રાપ્ત અને અનુભવી હોમિયોપેથીક તબીબના માર્ગદર્શન તથા નિરીક્ષણ હેઠળ જ કરવો.










































