અમદાવાદના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ તથા જનસેવાના ૨૫ વર્ષ નિમિત્તે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને સદ્ગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ તથા ગૌપૂજન કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે દીપમાળા અને મહાઆરતી યોજાતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુકુળ ખાતે ઉપસ્થિત રહી ઠાકોરજી સમક્ષ દીપ પ્રાગટ્ય કરી વડાપ્રધાનના દીર્ઘાયુ અને નિરામય સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે સંતોએ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને દેશસેવાના કાર્યની પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, શહેર ભાજપ પ્રમુખ પ્રેરકભાઈ શાહ સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.









































