ચોરવાડમાં ભાડાના મકાનમાં જુગારધામ ચલાવાતું હોવાનો ખુલાસો થયો છે. ચોરવાડ બંદર રોડ પર ઝુંડ ભવાની મંદિર સામે આવેલા મકાનમાં પોલીસે દરોડો પાડી ૪ મહિલા સહિત કુલ ૧૦ જુગારીઓને ઝડપી લીધા હતા. સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ રૂ.૧.૮૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ચોરવાડ પીઆઈ જી.આઈ. રાઠોડની ટીમને બાતમી મળી હતી કે વેરાવળની ક્રિષ્ના સોસાયટીમાં રહેતી ક્રિષ્નાબેન મહેશભાઈ ચૌહાણે રમેશ કાના રાઠોડનું મકાન ભાડે રાખ્યું હતું અને બહારથી લોકોને બોલાવી જુગારધામ ચલાવતી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં જુગાર રમતા શખ્સોમાં ભાગદોડ મચી હતી. જોકે, પોલીસે ઘેરાબંધી કરી ૬ પુરુષ અને ૪ મહિલાને ઝડપી લીધા હતા. તપાસમાં જુગારધામની મુખ્ય સંચાલક તરીકે ક્રિષ્નાબેન ચૌહાણનું નામ સામે આવ્યું છે.